સુરેન્દ્રનગર અને વઢવાણમાં જન્માષ્ટમીનો 5 દિવસીય લોકમેળો યોજાશે
- સુરેન્દ્રનગરમાં આર્ટસ કોલેજના વિશાળ ગ્રાઉન્ડમાં સૌ પ્રથમ વખત લોકમેળો યોજાશે,
- સુરેન્દ્રનગરના લોકમેળામાં 23 મોટી રાઈડસ, ખાણી-પીણીના કુલ 32 સહિત 94 સ્ટોલ હશે,
- વઢવાણમાં રેલ્વે સ્ટેશન ગ્રાઉન્ડમાં યોજાનારા મેળામાં 12-મોટી રાઈડસ, 14-નાની બાળકો માટેની રાઈડસ, 8 સ્ટોલને મંજુરી,
સુરેન્દ્રનગરઃ સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવારમાં ગામેગામ લોકમેળા યોજાતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણમાં જન્માષ્ટમીના તહેવારોમાં આવતી કાલે તા.14મીથી 18 ઓગસ્ટ સુધી 5 દિવસીય લોકમેળો યોજાશે. સુરેન્દ્રનગરમાં આ વખતે આર્ટસ કોલેજના વિશાળ ગ્રાઉન્ડમાં સૌ પ્રથમ વખત યોજાનારો લોક મેળો આકર્ષણ જમાવશે. જ્યારે વઢવાણ રેલવે સ્ટેશનના વિશાળ મેદાનમાં લોકમેળો યોજાશે. બન્ને લોકમેળાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આવતી કાલે તા.14 થી 18 ઓગષ્ટ સુધી પાંચ દિવસ માટે પરંપરાગત જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સુરેન્દ્રનગરના મેળાના મેદાન ખાતે વર્ષોથી યોજાતો લોકમેળો ચાલુ વર્ષે સૌપ્રથમ વખત શહેરના બસ સ્ટેન્ડ રોડ પર આવેલા એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાશે. અંદાજે 30.000 સ્ક્વેર ફુટ વિશાળ જગ્યામાં યોજાનારા લોકમેળોને વિરાસત નામ આપવામાં આવ્યું છે તે આકર્ષણનું કેન્દ્ર બનશે તેમ લાગી રહ્યું છે. મેળામાં ગત વર્ષ કરતા રાઈડસની સંખ્યામાં વધારો કરીને 23 મોટી રાઈડસ, ખાણી-પીણીના કુલ 32 સ્ટોલ, રમકડા સહિતની ચીજવસ્તુઓના 94 સ્ટોલ તેમજ દરરોજ સ્ટેજ પર લોકડાયરો, મ્યુઝીકલ નાઈટ, દેશભક્તિના ગીતો સહિતના સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગર આર્ટસ કોલેજ ખાતે સૌપ્રથમ વખત યોજાનારા આ લોકમેળામાં પાંચ દિવસ દરમિયાન અંદાજે 5 લાખથી વધુ લોકો મેળો માણવા ઉમટી પડશે લોકમેળાના આયોજકો સહિત વ્યવસ્થાને ધ્યાને લઈ મ્યુનિની ટીમો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જ્યારે વઢવાણ રેલ્વે સ્ટેશન ગ્રાઉન્ડમાં 12-મોટી રાઈડસ, 14-નાની બાળકો માટેની રાઈડસ, 9-આઈસ્ક્રીમ સ્ટોલ, 80-અન્ય સ્ટોલ, 10-લારીવાળા વેપારી, સેલ્ફી પોઈન્ટ, 2-વોચ ટાવર, દરરોજ અલગ-અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ મેળાની પણ હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.