For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વડોદરાના 24 વર્ષીય યુવાને રિમોટ કન્ટ્રોલથી ઉડતો પતંગ બનાવ્યો

03:41 PM Jan 12, 2025 IST | revoi editor
વડોદરાના 24 વર્ષીય યુવાને રિમોટ કન્ટ્રોલથી ઉડતો પતંગ બનાવ્યો
Advertisement
  • દોરી વિના ઉડતો પતંગ 10 હજારના ખર્ચે બનાવ્યો
  • રિમોટ કંન્ટ્રોલથી એક કિલો મીટર દુર સુધી ઉડી શકે છે
  • આંગણીના ઈશારે પતંગને કોઈપણ દિશામાં લઈ જવાશે

 વડોદરાઃ કેટલાક યુવાનો પોતાની સુઝબઝથી નીતનવા સંશોધનો કરતા હોય છે. જેમાં વડોદરાના એક  24 વર્ષીય યુવાન પ્રિન્સ પંચાલે રિમોટ કંટ્રોલથી ઊડતો પતંગ બનાવ્યો છે. આ પતંગ પ્રિન્સએ માત્ર 3 દિવસમાં તૈયાર કર્યો છે અને તેને તૈયાર કરવામાં 10 હજાર રૂપિયાનો ખર્ચ થયો છે. ઉત્તરાયણના પર્વમાં દોરીથી પક્ષીઓને બચાવવા માટે પ્રિન્સને દોરી વગર ઊડતો પતંગ બનાવવાનો વિચાર આવ્યો અને પોતાના વિચારને તરત જ અમલમાં મૂકી દીધો હતો. આ પતંગ રિમોટ કંટ્રોલથી એક કિમી દૂર સુધી ઊડી શકે છે અને એને લેફ્ટ અને રાઈટ પણ કરી શકાય છે. ટૂંકમાં કહીએ તો આ પતંગ ઉડાવતી સમયે પતંગબાજને વીડિયોગેમ રમતો હોય એવું ફીલિંગ આવે છે. પ્રિન્સ અગાઉ 100થી વધુ ટોય પ્લેન તૈયાર કરી ચૂક્યો છે.

Advertisement

વડોદરાના યુવાને એક પણ ઠુમકો માર્યા વગર ઉંચે આકાશ અંબે તેવી પતંગ બનાવી છે. જાણીને આશ્ચર્ય થાય, પરંતુ આ હકીકત છે. વડોદરાના પ્રિન્સ પંચાલ નામના યુવકે બેટરી સંચાલિત પતંગ તૈયાર કરી છે. જેને રીમોટ કંટ્રોલની મદદથી ઉડાડી શકાય છે. હવે પવન હોય કે ના હોય, પરંતુ તમારો પતંગ ઉચાઇ આંબે તેવી ટેક્નોલોજી સાથેની પતંગનો વિકલ્પ માર્કેટમાં આવી ગયો છે. રિમોટ કંટ્રોલથી ઊડતા પતંગ બનાવનારા પ્રિન્સ પંચાલે જણાવ્યું હતું કે હું સોશિયલ મીડિયાના માધ્યમથી રમકડાના પણ રિયલની જેમ ઊડતા પ્લેન, ડ્રોન અને પતંગ બનાવતા શીખવું છું અને સાથેસાથે નોકરી પણ કરું છું. દસ વર્ષ પહેલાં મેં અને મારા દાદાએ ટોય પ્લેન અને ડ્રોન બનાવવાનું શરૂ કર્યું હતું. મારા દાદાનું કોરોનામાં અવસાન થયું હતું, ત્યારબાદ મારા પરિવારના સપોર્ટથી હવે હું જ રિમોટથી ઉડતા પતંગ અને ટોય બનાવું છું.

પ્રિન્સએ વધુમાં જણાવ્યું હતું કે આ પતંગ બનાવવામાં મને ત્રણ દિવસનો સમય લાગ્યો છે. રિમોટની સાથે આ પતંગ 10,000 રૂપિયામાં તૈયાર થયો છે. આ પતંગ કાર્બન ફાઇબર રોડમાંથી બનાવ્યો છે. આ પતંગમાં કાગળની જગ્યાએ નાયલોન ફેબ્રિક કાપડ યુઝ કરવામાં આવ્યું છે અને એ બેટરીના માધ્યમથી ઊડે છે, સાથે મોટરના માધ્યમથી પતંગ લિફ્ટ થાય છે. આ પતંગને રિમોટ કંટ્રોલના માધ્યમથી ઉડાવવામાં આવે છે. પતંગની આગળની સાઈડ પંખો લગાવવામાં આવ્યો છે અને પાછળની સાઈડ જે ફ્લેપ છે એનાથી પતંગને લેફ્ટ અને રાઈટ કરીને પતંગને ઉડાવી શકીએ છીએ. આ પતંગ ફક્ત રિમોટ કંટ્રોલથી ઊડે છે, એના માટે દોરીનો ઉપયોગ થતો નથી. ઉત્તરાયણના દિવસે બપોરના સમયે પવન હોતો નથી, આ સમયે આપણે આ પતંગને ઉડાવી શકીએ છીએ. આ પતંગ એક કિમી ઊંચો અને દૂર ઊડી શકે છે. એની બેટરીની ક્ષમતા 15 મિનિટની છે.

Advertisement

પ્રિન્સએ કહ્યું હતું કે દર વર્ષે ઉત્તરાયણના દિવસે દોરીને કારણે અનેક પક્ષીઓ ઇજાગ્રત થાય છે અને મૃત્યુ પણ થાય છે, તેથી મને વિચાર આવ્યો હતો કે હું એવી પતંગ બનાવું. જેનાથી પક્ષીઓનો જીવ બચાવી શકાય. મેં તૈયાર કરેલા આ પતંગથી પક્ષીઓનો જીવ જતો નથી અને આપણે ઉત્તરાયણ પણ એન્જોય કરી શકીએ છીએ. મારી પાસે રિમોટ કંટ્રોલથી ઓપરેટ થાય તેવા ઘણા પતંગો છે. એક સ્ક્વેર ટાઈપની પતંગ છે, જે પ્લેન જેવી દેખાય છે, પણ ઊડ્યા પછી તમને એવું લાગશે કે પતંગ ઊડી રહ્યો છે, પરંતુ તેમાં દોરી નહીં લાગેલી હોય. મેં અત્યારસુધીમાં 100થી વધુ ટોય પ્લેન તૈયાર કર્યાં છે, જેમાં 5થી 10 ફૂટના ફાઈટર પ્લેન, કાર્ગો પ્લેન અને સી પ્લેનના મોડલ તૈયાર કર્યા છે. એ પણ રિમોટ કન્ટ્રોલથી ઓપરેટ થાય છે. હું કંઈક નવું કરવા માગતો હતો, એના કારણે મેં આ રિમોટ કંટ્રોલથી સંચાલિત પતંગ તૈયાર કર્યો છે.

Advertisement
Tags :
Advertisement