ભૂજથી દિલ્હીની 180 સીટર ફ્લાઈટ 1લી ફેબ્રુઆરીથી ઉડાન ભરશે
- એર ઈન્ડિયાની ફ્લાઈટ્સના બુકિંગનો પ્રારંભ
- ફ્લાઈટ સાજે ભૂજ એરપોર્ટ પરથી 5.50 વાગ્યે ઉડાન ભરશે
- કંડલા અને મુન્દ્રા પોર્ટને લીધે સારોએવો ટ્રાફિક મળી રહેશે
ભૂજઃ કચ્છમાં અનેક ઉદ્યોગો સ્થપાયા બાદ ઐદ્યોગિક વિકાસ સારોએવો થયો છે. તેમજ કંડલા અને મુન્દ્રા બે મોટા બંદર હોવાને કારણે પણ અન્ય રાજ્યોના લોકોની કચ્છમાં આવન જાવન વધી છે. આથી પ્રવાસીના ધસારાને પહોંચી વળવા માટે ભૂજ-દિલ્હી વચ્ચે એર ઈન્ડિયા દ્વારા 180 સીટર ફ્લાઈટ આગામી 1લી ફેબ્રુઆરીથી ઉડાન ભરશે.
કચ્છમાં પ્રવાસીઓના ધસારાને ધ્યાને રાખીને ભૂજ-દિલ્હી વચ્ચે એર ઈન્ડિયાની ફ્લાઈટ ઉડાન ભરશે. લાંબા સમયની માંગ બાદ ભુજથી દિલ્હી સુધીની સીધી હવાઈ સેવા આગામી 1 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. એર ઈન્ડિયા દ્વારા સંચાલિત 180 બેઠકોની ક્ષમતા ધરાવતી આ ફ્લાઈટનું બુકિંગ કંપનીની વેબસાઈટ અને એર બુકિંગ પોર્ટલ પર શરૂ થઈ ગયું છે. એક તરફી મુસાફરીનું 5500 ભાડું રહેશે. ભુજ એરપોર્ટ ઓથોરિટીના પ્રવક્તા નવીન ગુપ્તાના કહેવા મુજબ ફ્લાઈટ દરરોજ સાંજે 5:50 કલાકે ભુજથી દિલ્હી જશે. જ્યારે દિલ્હીથી ભુજ તરફની ફ્લાઈટ સાંજે 4:55 કલાકે પ્રસ્થાન કરશે. હાલમાં ભુજથી દૈનિક ધોરણે ત્રણ ફ્લાઈટ્સ ઓપરેટ થાય છે - બે મુંબઈ માટે અને એક અમદાવાદ માટે ફલાઈટ ઉડાન ભરે છે.
કચ્છ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભૂજ-દિલ્હી વચ્ચેની હવાઈ સેવાથી પ્રવાસીઓને વધુ લાભ મળશે. કચ્છમાં સ્થિત રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ઉદ્યોગો અને બે મોટા બંદરોને કારણે આ સેવા મહત્વપૂર્ણ બનશે. વિશેષમાં, અબડાસા તાલુકામાં વસતા હજારો પંજાબી ખેડૂતો, કાશ્મીર જતા પ્રવાસીઓ અને ઉત્તર ભારતથી કચ્છ આવતા મુલાકાતીઓને આ સેવાનો મોટો લાભ મળશે. આ નવી હવાઈ સેવાથી પ્રવાસન અને ઔદ્યોગિક ક્ષેત્રે વધુ વિકાસની અપેક્ષા રાખવામાં આવી રહી છે.