અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા પાસે 15 કિમી ટ્રાફિકજામ સર્જાયો
- હાઈવે પર જામ્બુવાથી પુનિયાદ સુધી વાહનોના થપ્પા લાગ્યા,
- ટ્રાફિકજામની આ રોજિંદી સમસ્યાથી વાહનચાલકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યાં,
- હાઈવે પર ખાડાઓ અને ત્રણેય બ્રિજ સાંકડા હોવાથી વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે,
વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા નજીક જામ્બુવાબ્રિજ પર ફરી એકવાર 15 કિ.મી. લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. એના કારણે વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાયેલા રહ્યા હતા.. આ ટ્રાફિકમાં એમ્બ્યુલન્સો પણ ફસાઇ ગઈ હતી. જામ્બુવાથી લઇને પુનિયાદ સુધી વાહનોની લાંબી-લાંબી કતારો લાગી હતી. વડોદરા નજીક નેશનલ હાઈવે પર ટ્રાફિકજામની સમસ્યા વિકટ બનતી જાય છે. હાઈવે પર વારંવાર ખાડા પૂરવાની કામગીરી છતાં વરસાદને કારણે ફરી ખાડા પડી જતા હોવાથી આ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવતું નથી.
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા નજીક જામ્બુવાબ્રિજ અને પોરબ્રિજ પર ટ્રાફિકજામ થતાં વાહનચાલકો કલાકોથી સુધી ફસાયા હતા. છેલ્લા કેટલાય દિવસોથી ટ્રાફિકજામની સમસ્યા રોજિંદી બની ગઈ છે. ટ્રાફિકજામના કારણે કોઈ સમયસર પહોંચી શકતું નથી. હાઇવે પર આવતી એમ્બ્યુલન્સો પણ કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાયેલી જોવા મળી હતી, જેના કારણે લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે.
વડોદરા નજીક હાઇવે ઉપરનો જામ્બુવાબ્રિજ, પોરબ્રિજ અને બામણગામબ્રિજ માથાના દુખાવા સમાન બન્યા છે. આ ત્રણેય બ્રિજ સાંકડા હોવાથી તથા એના પરનો રોડ ખરાબ હોવાથી વાહનની ગતિ ધીમી પડી જાય છે. એના કારણે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી જાય છે. ગુરૂવારે પણ વરસાદ શરૂ થતાં જ બ્રિજ ઉપર ટ્રાફિકજામ થઈ ગયો હતો. અને આજે શુક્રવારે સવારથી ટ્રાફિકજામ થતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. નેશનલ હાઇવે ઉપરથી પસાર થતા વાહનચાલકો રસ્તામાં આવતા દરેક ટોલનાકા પર ટોલ ટેક્સ ભરે છે, પરંતુ વાહનચાલકોને રોડ સારા આપવામાં હાઈવે ઓથોરિટી નિષ્ફળ ગઈ છે. સારા રોડ ન હોવાને કારણે અવારનવાર ટ્રાફિકજામ થઇ જતો હોવાથી સમયનો પણ વ્યય થઇ રહ્યો છે.
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરાના જામ્બુવાબ્રિજ પરથી રોજના એક લાખ કરતાં વધુ વાહનો પસાર થાય છે, જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાતથી દક્ષિણ ગુજરાત અને મુંબઇ તરફ લોકો જતા હોય છે. આ ઉપરાંત આસપાસની કંપનીઓમાં નોકરી કરતા લોકો અને બિઝનેસ સાથે સંકળાયેલા લોકોનો પણ સમાવેશ થાય છે. આ બધા લોકો ટ્રાફિકજામની સ્થિતિથી ત્રસ્ત છે અને ઝડપથી બ્રિજનું કામ પૂરું કરીને ટ્રાફિકજામથી મુક્તિ આપવામાં આવે એવી માગ કરી રહ્યા છે.