અફઘાનિસ્તાનથી 13 વર્ષનો કિશોર વિમાનના ટાયર પાસે છુપાઈ ભારત પહોંચ્યો !
નવી દિલ્હીઃ એક ચોંકાવનારી અને જોખમી ઘટના સામે આવી છે. અફઘાનિસ્તાનનો 13 વર્ષનો એક છોકરો વિમાનના પાછળના ટાયર પાસે છુપાઈને કાબુલથી ભારત સુધી આવી પહોંચતા તંત્ર દોડતું થઈ ગયું છે. જાનને જોખમ હોવા છતાં તે 94 મિનિટની ફ્લાઈટ દરમિયાન જીવિત રહી દિલ્લીના ઇંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથકે સુરક્ષિત ઉતર્યો હતો. જમીન પર પહોંચતાં જ અધિકારીઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.
આ ફ્લાઇટ અફઘાનિસ્તાનની એર કંપની દ્વારા સંચાલિત હતી, જે કાબુલના હામિદ કરજાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી સવારે 8:46 વાગ્યે (ભારતીય સમય મુજબ) ઉડી હતી અને સવારે 10:20 વાગ્યે દિલ્લીના ટર્મિનલ-3 પર પહોંચી હતી. રિપોર્ટ્સ અનુસાર, પરંપરાગત અફઘાની વેશભૂષામાં રહેલો આ છોકરો ઈરાન પ્રવેશવાની કોશિશમાં હતો, પરંતુ ભૂલથી ખોટી ફ્લાઈટમાં ચડી ગયો હતો. કાબુલ એરપોર્ટ પર મુસાફરો પાછળથી સરકી તે વિમાનના વ્હીલ વેલમાં છુપાઈ ગયો હતો. વિમાન ઉતર્યા બાદ જ તેની હાજરીનો ખુલાસો થયો, જ્યારે એક ગ્રાઉન્ડ હેન્ડલરે તેને એરપોર્ટના પ્રતિબંધિત વિસ્તારમાં ફરતો જોયો હતો. તુરંત અધિકારીઓને જાણ કરવામાં આવી અને CISFએ છોકરાને કસ્ટડીમાં લઇ એરપોર્ટ પોલીસને સોંપ્યો હતો. તેની ઉંમરને ધ્યાનમાં રાખીને તેના પર કોઈ કાનૂની કાર્યવાહી નહીં થાય.
એવિએશન વિશેષજ્ઞોએ આ ઘટનાને અદભૂત ગણાવી છે, કારણ કે વિમાનના ટાયર પાસે છુપાવું લગભગ હંમેશાં જાનલેવ સાબિત થાય છે. ત્યાં કડકડતી ઠંડી, ઓક્સિજનનો અભાવ અને મિકેનિકલ જોખમને કારણે જીવિત રહેવાની શક્યતા માત્ર 20 ટકા જેટલી જ રહે છે. વિયોન ન્યૂઝ મુજબ, ભારત સુધી કોઈ ગેરકાયદે મુસાફર આવી પહોંચવાની આ બીજી જાણીતી ઘટના છે. પહેલી ઘટના 1996માં બની હતી, જ્યારે પ્રદીપ અને વિજય સૈની નામના બે ભાઈઓએ દિલ્હીથી લંડન જતી બ્રિટિશ એરવેઝની ફ્લાઈટમાં આ જ પ્રકારનો પ્રયાસ કર્યો હતો. તેમાં પ્રદીપ બચી ગયો હતો, પરંતુ વિજય હીથ્રો એરપોર્ટ પર મૃત હાલતમાં મળ્યો હતો.
(Photo-File)