અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ માટે 2 BHKના 13 માળના 920 ફ્લેટ્સ બનાવાશે
- રાજ્યની સૌથી મોટી પોલીસ લાઈન ઘાટલોડિયામાં બનશે
- વાહનો માટે બે માળનું પાર્કિંગ પણ બનાવાશે
- બે-ચાર દિવસમાં ખાતમૂહુર્ત થશે
અમદાવાદઃ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા માટે સતત ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે ક્વાટર્સની અછત છે. અમદાવાદ સહિત મહાનગરોમાં પોલીસ કર્મચારીઓને ક્વાટર્સની અછતને લીધે ભાડાના મકાનમાં રહેવાની ફરજ પડી રહી છે. ત્યારે અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ માટે ટુ બીએચકેના 920 ફ્લેટ્સ બનાવાશે, 13 માળના બહુમાળી બિલ્ડિંગમાં પોલીસ કર્મચારીઓને માટે બે માળનું વાહન પાર્કિંગ પણ બનાવવામાં આવશે.
અમદાવાદ શહેરમાં રાજ્યની સૌથી મોટી પોલીસ લાઈન બનશે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં 13 માળની બહુમાળી બિલ્ડિંગના 18 ટાવરમાં 920 મકાનો હશે, તમામ મકાનો 13 માળના ટાવર અને બે માળ પાર્કિંગ બેઝમેન્ટ સાથે બનાવવામાં આવશે. આગામી સમયમાં તેનું ખાતમુહૂર્ત કરાશે. શહેરમાં ઘાટલોડિયા વિસ્તારમાં બનનારાં આ મકાનોમાં તમામ પોલીસકર્મી જેને મકાન ફાળવવામાં આવશે. તે ફર્નિચર સાથે ફાળવવામાં આવશે.
પોલીસ હાઉસિંગ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં શહેરની સૌથી મોટી પોલીસ લાઈન બનશે. જે પોલીસ લાઈનમાં 13 માળનાં કુલ 18 ટાવર બનાવાશે. જેમાં બેઝમેન્ટ બે માળ સુધીનું હશે, જેમાં વહન પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયાં આગામી દિવસોમાં પોલીસ લાઈન અને નવા પોલીસ સ્ટેશનના મકાનનું ખાતમુહૂર્ત કરાશે જે માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નવ નિર્મિત 920 મકાનમાં પંખા, લાઈટ, બેડ સહિતની પાયાની તમામ સુવિધા અને સાથે ફર્નિચર પણ આપવામાં આવશે. 920 પરિવાર આ પોલીસ લાઈનમાં રહેશે અને ત્યાં જ બે બ્લોકને જોડીને ઘાટલોડિયા પોલીસ સ્ટેશન બનાવાશે. જે આગામી સમયમાં અમદાવાદ શહેરના અત્યાધુનિક પોલીસ સ્ટેશન પૈકીનું એક હશે. (FILE PHOTO)