અંબાજીમાં ભારવી પૂનમ માટે 900 પદયાત્રી સંઘો અને 303 સેવા કેમ્પ નોંધાયા
- ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ્રની વાર્ષિક બેઠક યોજાઈ,
- સેવા કેમ્પોમાં કચરાના નિકાલ માટે ટ્રેક્ટરની સંખ્યામાં વધારો કરાશે,
- ભાદરવી પૂનમના મેળામાં 5000 પોલીસનો બંદોબસ્ત મુકાશે
અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે, મોટાભાગના યાત્રિકો પગપાળા ભાદરવી પૂનમે માતાજીના દર્શન માટે આવતા હોય છે. ત્યારે સુચારૂ વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે તાજેતરમાં કેબિનેટ મંત્રીની હાજરીમાં ભાદરવી પૂનમીયા સંઘ સેવા ટ્રસ્ટ્રની વાર્ષિક બેઠક યોજાઈ હતી. જેમાં ભાદરવી પૂનમ મહામેળા માટે અત્યાર સુધી 900 જેટલા પદયાત્રી સંઘોની નોંધણી તથા 303 જેટલા સેવા કેમ્પની નોંધણી થઈ હોવાનું જણાવ્યું હતું.
અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાની આગોતરી તૈયારીઓની સમીક્ષા માટે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને ભાદરવી પૂનમીયા સંઘ સેવા ટ્રસ્ટ્રની વાર્ષિક બેઠક યોજાઈ હતી. જેમાં બહોળી સંખ્યામાં પદયાત્રી સંઘના સંચાલકો જોડાયા હતા. આ બેઠકમાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અંબાજી ખાતે અલગ અલગ ફેઝમાં 1600 કરોડના વિકાસ કાર્યો કરાશે. કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે, આ વર્ષે સ્વચ્છતા એ જ સેવા સૂત્રને ચરિતાર્થ કરીને સ્વચ્છતા પર ખાસ ભાર મૂકવામાં આવશે. ચાલુ વર્ષે કચરાના નિકાલ માટે ટ્રેક્ટરની સંખ્યામાં વધારો કરાશે. એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે, આગામી મેળામાં 8 સેક્ટર અને 16 ઝોનમાં પોલીસ વિભાગ કામગીરી કરશે જેમાં 5000 પોલીસનો સ્ટાફ ફરજ બજાવશે.. અંબાજી ખાતે મેળામાં ચાલીને આવતા પદયાત્રીઓ રસ્તાની ડાબી બાજુ ચાલશે તથા રસ્તાની જમણી બાજુએ વાહનો ચાલશે.
તેમણે જણાવ્યું કે, પહાડી વિસ્તારમાં ઘોડે સવાર જવાનો ફરજ બનાવશે. મોબાઈલ વાન, વોચ ટાવર, સી.સી.ટી.વી કંટ્રોલ રૂમ સહિત પોલીસ દ્વારા તમામ બંદોબસ્ત કરાશે. તેમણે અંબાજી મેળામાં જતા રસ્તાઓ વળાંક વાળા હોવાથી ટ્રેકટરોનો ઉપયોગ ના કરવા અપીલ કરી હતી.