ભારે વરસાદને લીધે દાહોદનો પાટાડુંગરી ડેમ ઓવરફ્લો થતા 9 ગામોને એલર્ટ કરાયા
- ડેમના ઉપરવાસમાં પાણીની આવકને લીધે જળસપાટી 90 મીટરે પહોંચી ગઈ,
- ખાન નદીકાંઠાના 9 ગામોને એલર્ટ કરાયા,
- જિલ્લામાં ભારે વરસાદથી નદી-નાળાં છલકાયા
દાહોદઃ જિલ્લામાં સારા વરસાદને લીધે નદી-નાળા, તળાવો છલકાયા છે. જ્યારે ઉપરવાસ અને જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભારે વરસાદને કારણે પાટાડુંગરી ડેમ ઓવરફ્લો થયો છે. ડેમની પૂર્ણ સપાટી 170.84 મીટર છે. હાલની સપાટી 170.90 મીટરે પહોંચી જતા નદીકાંઠાના 9 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. સીંગવડમાં સૌથી વધુ 74 મિમી વરસાદ નોંધાયો છે. ફતેપુરામાં 61 મિમી, દાહોદમાં 47 મિમી, લીમખેડામાં 44 મિમી વરસાદ થયો છે. ઝાલોદમાં 28 મિમી, ગરબાડા અને સંજેલીમાં 20 મિમી વરસાદ નોંધાયો છે. ધાનપુરમાં 8 મિમી અને દેવગઢ બારીયામાં 3 મિમી વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે નદી-નાળાં છલકાયાં છે. ખાન નદીમાં પાણી છોડવાની શક્યતા છે. તંત્રે દાહોદ તાલુકાના નીચાણવાળા વિસ્તારોના 6 ગામો અને ગરબાડા તાલુકાના 3 ગામોને એલર્ટ કર્યા છે. ગરબાડામાં તો છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે.
સ્થાનિક વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. તંત્રે એલર્ટ કરેલા ગામોને સાવચેત રહેવા અને જરૂરી તૈયારી રાખવા સૂચના આપી છે. ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવી રહી છે.