For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં એક સાથે 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો

05:45 PM Jan 01, 2025 IST | revoi editor
ગુજરાતમાં એક સાથે 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો
Advertisement

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યમાં એક સાથે નવી ૯ મહાનગરપાલિકાની રચનાના નિર્ણયને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીના નેતૃત્વની વર્તમાન સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર/ વઢવાણ, મોરબી, પોરબંદર/ છાયા અને ગાંધીધામ એમ કુલ ૦૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘જે કહેવું તે કરવું’ના અપનાવેલા કાર્યમંત્રને અનુસરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વડપણની સરકારે આ ૯ મહાનગરપાલિકાની રચનાને મંજૂરી આપીને મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી કાર્યરત કરી છે.

Advertisement

રાજ્ય મંત્રીમંડળની બેઠકના આ નિર્ણયની ભૂમિકા આપતાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના વિકસિત ભારત @ ૨૦૪૭ના દૂરંદેશી સ્વપ્નને સાકાર કરવા ‘અર્નિંગ વેલ’ અને ‘લિવિંગ વેલ’ના ધ્યેય પાર પાડીને વિકસિત ગુજરાત @ ૨૦૪૭ના વિઝનને સાર્થક કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રતિબદ્ધ છે. ‘વિકાસના એન્જીન’ ગુજરાતમાં હાલ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગર મળી ૦૮ મહાનગરપાલિકાઓ કાર્યરત છે. આ પૈકી જુનાગઢ મહાનગરપાલિકાની વર્ષ ૨૦૦૨માં અને ગાંધીનગર મહાનગરપાલિકાની વર્ષ ૨૦૧૦માં રચના કરવામાં આવેલી છે. ત્યારબાદ લગભગ ૧૪ વર્ષ બાદ આ નવી ૯ મહાનગરપાલિકાઓની રચના થઈ રહી છે. આના પરિણામે રાજ્યમાં હાલની મહાનગરપાલિકાઓની સંખ્યા કરતા બે ગણી એટલે કે ૧૭ મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવી છે. ગુજરાતના શહેરી વિકાસમાં આ એક ઐતિહાસિક ઘટના છે તેનો વિશેષ ઉલ્લેખ પ્રવક્તા મંત્રીશ્રીએ કર્યો હતો.

નીતિ આયોગની ‘સિટીઝ એઝ એન્જિન્સ ઓફ ગ્રોથ’ સંકલ્પના સાર્થક કરવા પ્રમાણમાં મોટા શહેરી વિસ્તારોનું ભવિષ્યલક્ષી આયોજન અને સુચારૂ વહીવટતંત્ર સ્થાપી શકાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાઓની રચના કરીને તેમાં વિકાસલક્ષી કામો અને વહીવટીતંત્રમાં અસરકારકતા તેમજ પારદર્શિતા સુનિશ્ચિત કરવામાં આવી છે. આ સંદર્ભમાં આ ૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો મળતાં હવે રાજ્યમાં મહાનગરપાલિકાઓની સંખ્યા ૧૭ અને નગરપાલિકાઓની સંખ્યા ૧૪૯ થશે.

Advertisement

રાજ્યમંત્રી મંડળના નિર્ણય અનુસાર નવસારી નગરપાલિકા તેમજ દાંતેજ, ધારાગીરી, એરુ અને હાંસાપોર ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને નવસારી મહાનગરપાલિકા બનશે. ગાંધીધામ નગરપાલિકા તેમજ કિડાણા, ગળપાદર, અંતરજાળ, શિણાય, મેઘપર-બોરીચી અને મેઘપર-કુંભારડી ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને ગાંધીધામ મહાનગરપાલિકા બનશે. મોરબી નગરપાલિકા તેમજ શક્તસનાળા, રવાપરા, લીલાપર, અમરેલી, નાની વાવડી, ભડીયાદ (જવાહર), ત્રાજપર (માળીયા વનાળીયા), મહેન્દ્રનગર (ઈન્દિરાનગર) અને માધાપર/વજેપર ઓજી ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને મોરબી મહાનગરપાલિકા બનશે.

વાપી નગરપાલિકા તેમજ બલિઠા, સલવાવ, છીરી, છરવાડા, ચણોદ, કરવડ, નામધા, ચંડોર, મોરાઈ, વટાર, કુંતા ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને વાપી મહાનગરપાલિકા બનશે. આણંદ, વલ્લભવિદ્યાનગર અને કરમસદ નગરપાલિકા તેમજ મોગરી, જીટોડીયા, ગામડી અને લાંભવેલ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને આણંદ મહાનગરપાલિકા બનશે. મહેસાણા નગરપાલિકા તેમજ ફતેપુરા, રામોસણા, રામોસણા N.A. વિસ્તાર, દેદીયાસણ, પાલાવાસણા, હેડુવા રાજગર, હેડુવા હનુમંત, તળેટી અને લાખવડ ગ્રામ પંચાયતો ઉપરાંત પાલોદર, પાંચોટ, ગિલોસણ, નુગર, સખપુરડા અને લાખવડ ગ્રામ પંચાયતોના કેટલાક સર્વે નંબરવાળા વિસ્તારો સમાવિષ્ટ થઇને મહેસાણા મહાનગરપાલિકા બનશે.

સુરેન્દ્રનગર/ દૂધરેજ/ વઢવાણ નગરપાલિકા તેમજ ખમીસણા, ખેરાળી, માળોદ, મુળચંદ અને ચમારજ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનશે. પોરબંદર/ છાયા નગરપાલિકા તેમજ વનાણા (વિરપુર), દિગ્વીજયગઢ, રતનપર અને ઝાવર ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને પોરબંદર મહાનગરપાલિકા બનશે. નડિયાદ નગરપાલિકા તેમજ યોગીનગર, પીપલગ, ડુમરાલ, ફતેપુરા, કમલા, માંજીપુરા, ડભાણ, બીલોદરા, ઉત્તરસંડા અને ટુંડેલ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને નડિયાદ મહાનગરપાલિકા બનશે.

પ્રવક્તા મંત્રીએ નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓનો દરજ્જો મળતા જે ફાયદાઓ લોકોને મળશે તેની વિગતો આપતાં ઉમેર્યું કે, નગરપાલિકા/ગ્રામપંચાયતો મહાનગરપાલિકામાં રૂપાંતરિત થવાથી ત્વરિત, કાર્યક્ષમ અને પારદર્શી પ્રક્રિયા સાથે વહીવટ વધુ સુદ્રઢ થશે.  આ ઉપરાંત રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ,આરોગ્યલક્ષી સેવાઓ, શિક્ષણ, સ્ટ્રીટલાઇટ, બાગ બગીચા, કોમ્યુનીટી હોલ તથા ટ્રાન્સપોર્ટેશન વગેરે જેવી પાયાની સુવિધાઓ સુનિયોજિત રીતે મળતી થશે.

મહાનગરપાલિકામાં જે ગ્રામ્ય વિસ્તારો ભેળવવામાં આવે છે તેના નાગરિકોને તમામ નાગરિક સુવિધાઓ સમયસર અને સુઆયોજિત મળી રહે તે માટે રાજ્ય સરકાર જરૂરી તમામ નાણાંકીય તેમજ વહીવટી સપોર્ટ પૂરો પાડશે અને આ વિસ્તારના લોકોની સુવિધાઓમાં અનેકગણો વધારો થાય તે સુનિશ્ચિત કરવાની રાજ્ય સરકારની નેમ છે. પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું કે, મહાનગરપાલિકાઓમાં શહેરી આયોજન (અર્બન પ્લાનિંગ) ટી.પી. સ્કીમ આધારિત અને ઓર્ગેનાઇઝ્ડ રીતે થતું હોવાથી ઉપલબ્ધ જમીનનો મહત્તમ ઉપયોગ થાય છે. મહાનગરપાલિકાઓમાં સુનિયોજિત રોડ રસ્તા, કોમર્શીયલ, શૈક્ષણિક, કોમ્યુનિટી, રમતગમતનાં મેદાન જેવા હેતુ માટે જમીન ફાળવવામા આવશે.

મહાનગરપાલિકા બનવાથી તેમાં વસતા લોકો ઉપરાંત નજીકના વિસ્તારોમાં વસતા લોકો માટે રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ થશે. આ વિસ્તારોમાં એક જ કેન્દ્ર પરથી વધુ વ્યાપક પ્રમાણમાં સેવાઓ પૂરી પાડી શકાશે અને નાગરિકોનું જીવનધોરણ ઊંચુ આવશે. એટલું જ નહિ, સમયાંતરે નવી મહાનગરપાલિકાઓમાં બી.આર.ટી.એસ., મેટ્રો રેલ, રિવરફ્રન્ટ જેવા વિશેષ પ્રોજેક્ટ્સ અમલમાં આવશે, તેથી નાગરિકોની સુખાકારીમાં વધારો થશે અને રાજ્ય સરકારની “સૌનો સાથ, સૌનો વિકાસ”ની નેમ સાથે ઇઝ ઓફ લિવિંગને નવું પીઠબળ મળશે.

Advertisement
Tags :
Advertisement