પાકિસ્તાનના પેશાવરમાં બોમ્બ વિસ્ફોટમાં 9ના મોત, 4 પોલીસ અધિકારી ઘાયલ
પાકિસ્તાનના પેશાવર શહેરમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 9 લોકોનાં મોત નિપજ્યાં છે, જ્યારે 4 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે. સ્થાનિક મીડિયા મુજબ, પેશાવર કેપિટલ સિટી પોલીસ ઓફિસર મિયા સઈદએ ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓને નિશાન બનાવીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે, પોલીસ મોબાઇલ વેનના રસ્તામાં વિસ્ફોટક ઉપકરણ મૂકવામાં આવ્યું હતું. ઘટનાને પગલે ઘાયલ અધિકારીઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. વિસ્ફોટ પછી મોટી સંખ્યામાં સુરક્ષા દળોએ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો.
ગત 30 સપ્ટેમ્બરે પણ પાકિસ્તાનના ક્વેટા શહેરમાં ફ્રન્ટિયર કોર્પ્સ (FC) મુખ્યાલયની નજીક એક ભયંકર વિસ્ફોટ થયો હતો. તેમાં ઓછામાં ઓછા 10 લોકોનાં મોત અને 32થી વધુ લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા મુજબ, ક્વેટામાં વિસ્ફોટ ત્યારે થયો જ્યારે એક વાહન મોડલ ટાઉનથી હાલી રોડ તરફ વળ્યું હતું. ત્યારબાદ સમગ્ર વિસ્તારને સીલ કરીને સુરક્ષા દળોએ કાર્યવાહી હાથ ધરી હતી. બ્લૂચિસ્તાનના મુખ્યમંત્રી મીર સરફરાજ બૂગટીએ ઘટનાની નિંદા કરતાં તેને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે સુરક્ષા દળોએ તરત જ જવાબી કાર્યવાહી કરતાં ચાર હુમલાખોરોને ઠાર માર્યા હતા. તેમજ આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન કડક રીતે ચાલુ રહેશે. બીજી તરફ પેશાવર અને ક્વેટા, બંને સ્થળોએ થયેલા વિસ્ફોટો બાદ સ્થાનિક નાગરિકોમાં ભયનું માહોલ ઉભો થયો છે.