રશિયાના કઝાનમાં 9/11 જેટલા હુમલા, ડ્રોનથી અનેક ઈમારતો ઉપર થયા હુમલા
રશિયાના કઝાન શહેરમાં મોટો ડ્રોન હુમલો થયો છે. રશિયન મીડિયા અનુસાર, ડ્રોન કાઝાનમાં અનેક બહુમાળી ઈમારતોને અથડાયા છે. આ હુમલો 2001માં અમેરિકામાં 11 સપ્ટેમ્બરના હુમલાની જેમ કરવામાં આવ્યો છે. આ હુમલામાં થયેલા નુકસાન અંગે હજુ સુધી માહિતી સામે આવી નથી, પરંતુ જે રીતે ડ્રોન રહેણાંક મકાનો સાથે અથડાયા હતા અને જે રીતે વિસ્ફોટ અને ઈમારતોમાં આગ લાગી હતી તેના કારણે ભારે નુકસાન થવાની આશંકા છે. હુમલાનો વીડિયો પણ સામે આવ્યો છે. રશિયાના કુર્સ્ક પ્રદેશના રિલસ્ક શહેરમાં યુક્રેનના મિસાઈલ હુમલામાં એક બાળક સહિત છ લોકોના મોતના સમાચાર છે. આ હુમલામાં અન્ય 10 લોકો ઘાયલ પણ થયા છે.
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ હુમલા યુક્રેન દ્વારા કરવામાં આવ્યા છે. ડ્રોન હુમલા બાદ કઝાન એરપોર્ટ પરની હવાઈ સેવા બંધ કરી દેવામાં આવી છે. કઝાન શહેર રશિયાની રાજધાની મોસ્કોથી લગભગ 800 કિલોમીટર પૂર્વમાં આવેલું છે. આ ડ્રોન હુમલા કાઝાનમાં છ રહેણાંક મકાનો પર થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કઝાન શહેર યુક્રેનની સરહદથી લગભગ 900 કિલોમીટર પૂર્વમાં આવેલું છે અને ભૂતકાળમાં પણ યુક્રેનની બાજુથી કઝાનમાં ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે. રશિયાના સંરક્ષણ પ્રધાને દાવો કર્યો છે કે તેમની સેનાએ 12 યુક્રેનિયન ડ્રોનને નષ્ટ કરી દીધા છે. યુક્રેનિયન મીડિયાનો દાવો છે કે ગઈકાલે રાત્રે રશિયાના રોસ્ટોવમાં બે ઓઈલ ડેપોમાં આગ લાગી હતી. આ આગ પણ કથિત યુક્રેનિયન ડ્રોન હુમલાને કારણે શરૂ થઈ હતી.
ગત ઓક્ટોબરમાં જ બ્રિક્સ કોન્ફરન્સના કારણે કઝાન શહેર સમગ્ર વિશ્વમાં સમાચારોમાં હતું. રશિયાએ કઝાનમાં બ્રિક્સ સમિટનું આયોજન કર્યું હતું. બ્રિક્સ સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. રશિયાના ઈતિહાસમાં કાઝાનનું મહત્ત્વનું સ્થાન છે અને આ શહેર રશિયાના ઉદ્યોગ, સંસ્કૃતિ અને ધર્મનું મુખ્ય કેન્દ્ર છે. તેને રશિયાની ત્રીજી રાજધાની અથવા રમતગમતની રાજધાની પણ કહેવામાં આવે છે. રશિયાએ કાઝાનમાં અનેક આંતરરાષ્ટ્રીય રમતગમતના કાર્યક્રમોનું આયોજન કર્યું છે. આર્થિક રીતે, કાઝાન પાવરહાઉસ છે. આ શહેર રશિયાની અગ્રણી ટ્રક ઉત્પાદક કંપની કામાઝનું ઘર છે અને પેસેન્જર એરોપ્લેન અને હેલિકોપ્ટરના ઉત્પાદનમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. કાઝાનના એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો ખૂબ સમૃદ્ધ છે.