For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

8મી મે - આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ, અન્ય રાજ્યો માટે ગુજરાત બન્યું રોલ મોડલ

05:45 PM May 07, 2025 IST | revoi editor
8મી મે   આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ  અન્ય રાજ્યો માટે ગુજરાત બન્યું રોલ મોડલ
Advertisement
  • ગુજરાતમાં કુલ 15.50 લાખથી વધુ લોકોના થેલેસેમિયા ટેસ્ટ કરાયા
  • સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે થેલેસેમિયા ટેસ્ટ
  • થેલેસેમિયાની અસાધ્ય બીમારી જડ-મૂળથી નાબૂદ કરવાની દિશામાં કામગીરી

ગાંધીનગરઃ 8મી મે એટલે થેલેસેમિયા જેવી જીવલેણ બીમારી અંગે નાગરિકોને જાગૃત કરવા માટેનો “આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ”. થેલેસેમિયા એક અસાધ્ય વારસાગત રક્ત વિકાર રોગ છે, જે શરીરમાં હિમોગ્લોબીનના નિર્માણ ઉપર સીધી અસર કરે છે. લોકજાગૃતિ થકી આ ભયાવહ રોગના પ્રમાણમાં ઘટાડો આવે તેમજ આ રોગ વિશે નાગરિકોની અજ્ઞાનતા દૂર થાય તે માટે દર વર્ષે 8મી મે ના રોજ આ વિશેષ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કોઇપણ માતા-પિતા પોતાના સંતાનને લોહીની બોટલના બંધનમાં ફસાયેલા જોવા નથી માંગતા, પરંતુ થેલેસેમિયા જેવા વારસાગત રક્ત વિકાર રોગ અંગેની જાગૃતતાનો અભાવ હોવાથી વિશ્વભરમાં અનેક બાળકો થેલેસેમિયા જેવા જીવલેણ રોગ સાથે જ જન્મે છે.

Advertisement

આજે દેશ-દુનિયા સહિત ગુજરાત રાજ્ય પણ થેલેસેમિયા જેવી અસાધ્ય બીમારીને જડ-મૂળથી નાબૂદ કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વિવિધ સંસ્થાઓ સાથે મળીને થેલેસેમિયા અંગે લોકજાગૃતિ કેળવવાનું કામ કરી રહી છે. મોટાભાગના લોકો થેલેસેમિયા અંગે અજાણ હોવાથી તેમના મનમાં સૌથી પ્રથમ એક જ પ્રશ્ન ઉભો થાય કે, થેલેસેમિયા શું છે અને આ રોગ ગંભીર કેમ છે?...તો આવો આજે વિસ્તારપૂર્વક જાણીએ થેલેસેમિયા રોગ અંગેની કેટલીક મહત્વપૂર્ણ વાતો.

થેલેસેમિયા એક આનુવંશિક રોગ છે, જેમાં શરીર પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબીન બનાવવામાં નિષ્ફળ જાય છે. સામાન્ય રીતે આપણા લોહીમાં લાલ રક્ત કણમાં હિમોગ્લોબીન નામનું એક પ્રોટીન હોય છે, જે માનવ શરીરના દરેક અંગો સુધી ઓક્સીજન પહોંચાડવાનું કામ કરે છે. આપણે જે ખોરાક લઈએ તેમાંથી લોહતત્વ મળે છે અને હાડકા વચ્ચે રહેલી અસ્થિમજ્જા (બોનમેરો) આ લોહતત્વને હિમોગ્લોબીનમાં રૂપાંતર કરવાનું કામ કરે છે.

Advertisement

ભારતમાં આશરે 4 કરોડથી વધુ લોકો થેલેસેમિયા કેરિયર છે. જેમાં 10 માંથી 8 લોકોને તો ખબર પણ નથી હોતી કે તેઓ થેલેસેમિયા કેરિયર છે. એટલા માટે જ, થેલેસેમિયાનો ટેસ્ટ કરાવવો એ કોઇપણ વ્યક્તિના જીવન અને તેના પરિવારના ભવિષ્ય માટે સૌથી મહત્વપૂર્ણ નિર્ણય હોય છે. થેલેસેમિયા મેજર, થેલેસેમિયા માઈનર એક રોગ નહિ પણ રંગસૂત્રોની વિકૃતિ છે, જ્યારે થેલેસેમિયા મેજર એક જીવલેણ રોગ છે. જો પતિ-પત્ની બંને થેલેસેમિયા માઈનર હોય તો તેમના સંતાન થેલેસેમિયા મેજર હોવાની શક્યતાઓ ૨૫ ટકા જેટલી હોય છે. આ ઉપરાંત પતિ-પત્ની બંનેમાંથી કોઈ એક થેલેસેમિયા મેજર હોય તો પણ બાળક થેલેસેમિયા મેજર જન્મે તેની શક્યતાઓ વધી જાય છે.

ગુજરાતમાંથી થેલેસેમિયાને જડ-મૂળથી નાબૂદ કરવા માટે ગુજરાત સરકાર છેલ્લા ૧૫ વર્ષથી શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે. આ ક્ષેત્રે ગુજરાત અનેક નવતર પહેલો અને સુદ્રઢ આયોજન સાથે અન્ય રાજ્યો માટે રોલ મોડલ બન્યું છે. રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો ખાતે આવતી ગર્ભવતી મહિલાઓના થેલેસેમિયા ટેસ્ટ રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે કરવામાં આવે છે.

સમુદાય આધારિત લોકજાગૃતિ કેળવવાનું નવતર અભિયાન

ગુજરાત સરકાર દ્વારા થેલેસેમિયા નિવારણ માટે અનેક વિશેષ પહેલ કરવામાં આવી છે. આવી જ એક વિશેષ પહેલ છે - ૩ સ્તરે થેલેસેમિયા સ્ક્રીનીંગ. ભારત સરકાર, નેશનલ હેલ્થ મિશન અને વિવિધ સેવાભાવી સંસ્થાઓની મદદથી રાજ્ય સરકારે યુનિવર્સિટી લેવલે જ વિદ્યાર્થીઓનું થેલેસેમિયા સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ગુજરાતના કેટલાક સમાજ કે સમુદાયમાં થેલેસેમિયાનું પ્રમાણ વધુ જોવા મળતા રાજ્ય સરકારે કમ્યુનીટીબેઝ્ડ સ્ક્રીનીંગ અમલમાં મૂકી વિવિધ સંસ્થાઓ થકી આ સમુદાયોને થેલેસેમિયા અંગે જાગૃત કરવાની પણ વિશેષ પહેલ કરી છે.

ગુજરાતમાં દર વર્ષે સરેરાશ 18,517 લોકોના અને અત્યાર સુધીમાં કુલ 15.50  લાખથી વધુ લોકોના થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત સરકાર સાથે રેડ ક્રોસ સોસાયટી, થેલેસેમિયા જાગૃતિ ફાઉન્ડેશન અને થેલેસેમિક ગુજરાત જેવી અનેક સંસ્થાઓ થેલેસેમિયાને નાબૂદ કરવા માટે લોકોને જાગૃત કરવાનું સરાહનીય કામ કરી રહી છે.

Advertisement
Tags :
Advertisement