ગુજરાતમાં 9 મહિનામાં ટીબીના 87397 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ
- દેશમાં સૌથી વધુ 76 લાખ કેસ સાથે ઉત્તર પ્રદેશ મોખરે,
- ગુજરાતમાં પ્રતિદિન ટીબીના સરેરાશ 358 નવા કેસ નોંધાયા,
- રાજ્યમાં ટીબીના દર્દીઓને સારવાર પૂર્ણ થવાનો દર 91% નોંધાયો
અમદાવાદઃ ગુજરાતમાં ટ્યુબરક્યુલોસિસ (ટીબી)ના દર્દીઓમાં વધારો થતો જાય છે. છેલ્લા 9 મહિનામાં રાજ્યમાં ટીબીના 87397 કેસ નોંધાયા છે. આમ, પ્રતિ દિવસે ટીબીના સરેરાશ 358 નવા કેસ નોંધાય છે. આ વર્ષે ટીબીના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને છે. સરકાર દર વર્ષે ટીબીના રોગને નાથવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. છતાં ટીબીના કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે.
ટીબીના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ 4.76 લાખ સાથે મોખરે છે, જ્યારે મહારાષ્ટ્ર 1.43 લાખ સાથે બીજા સ્થાને, બિહાર 1.38 લાખ સાથે ત્રીજા સ્થાને છે. ગુજરાતમાં વર્ષ 2024માં ટીબીના 1.37 લાખ કેસ નોંધાયા હતા. જ્યારે આ વર્ષે 9 મહિનામાં 87397 કેસ નોંધાયા છે. આમ, બે વર્ષમાં બે લાખથી વધુ લોકો ટીબીની ઝપેટમાં આવેલા છે. ગુજરાતમાં ટીબીના સૌથી વધુ કેસને મામલે અમદાવાદ 12827 સાથે મોખરે છે. જેમાં અમદાવાદ ગ્રામ્યમાં 2466 જ્યારે અમદાવાદ શહેરમાં 10361 કેસનો સમાવેશ થાય છે. આ વર્ષે ઉત્તરપ્રદેશમાં 4,76,047,મહારાષ્ટ્રમાં 1,43,966, બિહારમાં 1,38,868, રાજસ્થાન 1,18,397, મધ્યપ્રદેશ 1,11,704, ગુજરાતમાં 87,397, દિલ્હીમાં 76,942, પશ્ચિમ બંગાળમાં 86,780, તમિલનાડુમાં 61,516 અને હરિયાણામાં 61,461 કેસ નોંધાયા છે.
સૂત્રોના કહેવા મુજબ ગુજરાત સરકારે ટીબી નોંધણી અને સફળ સારવાર મામલે નીતિ આયોગ દ્વારા નિર્ધારિત લક્ષ્યના 95% હાંસલ કર્યા છે, જ્યારે સારવાર પૂર્ણ થવાનો દર 91% નોંધાયો છે. ગુજરાતને 2024માં 1,45,000 ટીબી દર્દીઓની ઓળખ અને નોંધણીનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. જેની સામે 1,37,929 ટીબી દદીઓની સફળતાપૂર્વક ઓળખ અને નોંધણી કરવામાં આવી હતી. આ સાથે જ 1,24,581 દર્દીઓની સફળતાપૂર્વક સારવાર થઈ હતી. જેથી સારવાર પૂર્ણ થવાનો દર 90.52% નોંધાયો હતો.
ગુજરાતના જિલ્લામાં અમદાવાદમાં 12,827, સુરતમાં 9,296, દાહોદમાં 5,984, વડોદરામાં 5,576, પંચમહાલમાં 3,576, મહેસાણામાં 3,804 અને રાજકોટમાં 3,223 કેસ છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ ટીબીના કેસ છે. ટીબી મુખ્યત્વે ફેફસાને અસર કરે છે. તે શરીરના અન્ય વિવિધ ભાગોને પણ અસર કરી શકે છે, જેને પછી એક્સટ્રાપલ્મોનરી ટીબી તરીકે ઓળખવામાં આવે છે.