દેશમાં નવા 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
નવી દિલ્હીઃ PM Modi ની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં 85 નવી કેન્દ્રીય વિદ્યાલયો અને 28 નવી નવોદય વિદ્યાલયો ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મીડિયા સાથે વાત કરતા આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, કેબિનેટે એક કેન્દ્રીય વિદ્યાલયના વિસ્તરણને પણ મંજૂરી આપી છે. દેશભરમાં 85 કેન્દ્રીય વિદ્યાલયમાંથી ત્રણ ગુજરાતમાં બનાવવામાં આવશે. જેમાં અમદાવાદના ઓગણજ, અમરેલીના ચક્કરગઢ જ્યારે ગીર સોમનાથના વેરાવળમાં કેન્દ્રીય વિદ્યાલયને મંજૂરી આપવામાં આવી છે.
વિદ્યાલયની સ્થાપના માટે અંદાજે રૂ. 5,872.08 કરોડના ભંડોળની જરૂર
આ અંગે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, આ નવી કેન્દ્રીય વિદ્યાલયો શરૂ થવાથી દેશના 82 હજારથી વધુ વિદ્યાર્થીઓ સસ્તું અને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ મેળવી શકશે. નિવેદન અનુસાર, 2025-26 સુધીના આઠ વર્ષના સમયગાળામાં એક વર્તમાન કેન્દ્રીય વિદ્યાલયના વિસ્તરણ ઉપરાંત 85 નવા કેન્દ્રીય વિદ્યાલયની સ્થાપના માટે અંદાજે રૂ. 5,872.08 કરોડના ભંડોળની જરૂર છે.
રાષ્ટ્રીય રાજધાની અને પડોશી રાજ્ય હરિયાણા વચ્ચેની કનેક્ટિવિટી
કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે દિલ્હી મેટ્રોના ચોથા તબક્કાના પ્રોજેક્ટ હેઠળ 26.463 કિલોમીટર લાંબા રિથાલા-કુંડલી કોરિડોરને મંજૂરી આપી હતી. તેનાથી રાષ્ટ્રીય રાજધાની અને પડોશી રાજ્ય હરિયાણા વચ્ચેની કનેક્ટિવિટી વધુ સુધરશે. આ વિભાગ પર 21 સ્ટેશન હશે અને તે બધા 'એલિવેટેડ' હશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ પ્રોજેક્ટની સંપૂર્ણ કિંમત 6,230 કરોડ રૂપિયા છે.