ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં 28 બેઠકો માટે 83 ઉમેદવારી ફોર્મ ભરાયા
- ભાજપના 43 ફોર્મ, કોંગ્રેસના 32 ફોર્મ ભરાયા
- ભાજપ-કોંગ્રેસના મતો તોડવા 7 અપક્ષો અને એક આમ આદમી પાર્ટી પણ મેદાનમાં
- હવે શરૂ થશે તોડ-જોડનું રાજકારણ
ગાંધીનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, ગાંધીનગર તાલુકા પંચાયતની 28 સીટો માટે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે એટલે કે શનિવારે વધુ 48 ફોર્મ ભરાતા કુલ ફોર્મનો આંકડો 83એ પહોંચ્યો છે. જોકે ભરાયેલા ફોર્મની કાલે 3જી, ફેબ્રુઆરીને સોમવારના રોજ ચકાસણી અને તારીખ 4થી, મંગળવારે ઉમેદવારી ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ પછી કેટલા ઉમેદવારો મેદાનમાં છે તેનું ચિત્ર સ્પષ્ટ થશે. પરંતું કુલ-83 ફોર્મમાંથી ભાજપે 43, કોંગ્રેસના 32, અપક્ષના 7, આમ આદમી પાર્ટીનો એક ફોર્મનો સમાવેશ થાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો 1લી, ફેબ્રુઆરી છેલ્લો દિવસ હોવાથી ગાંધીનગર તાલુકા પંચાયત અને ગાંધીનગર મામલતદાર કચેરી ખાતે સવારે 11 કલાકથી ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો ધસારો જોવા મળતો હતો. તેમાં શનિવારે વધુ 48 ફોર્મ ભરાયા હતા. આથી છેલ્લા છ દિવસમાં ગાંધીનગર તાલુકા પંચાયતની 28 સીટ માટે 83 ફોર્મ ભરાયા છે. તેમાં અડાલજ-1 અને 2, ચિલોડા(ડ), ધણપ, દોલારાણા વાસણા, પ્રાંતિયા, સરઢવ, શેરથા, શિહોલી મોટી, ટીંટોડા, ઉનાવા, વડોદરામાં ભાજપ અને કોંગ્રેસે એક એક જ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. છેલ્લા દિવસે વધુ છ ફોર્મનું વેચાણ થયું હતું.
ગાંધીનગર તાલુકા પંચાયતની 28 સીટો ઉપર ભાજપ અને કોંગ્રેસે મેડેન્ટ આપેલા ઉમેદવારની સાથે સાથે ડમી ઉમેદવારોને પણ ફોર્મ ભરાયા છે. તેમાં ભાજપે કુલ-15 સીટો ઉપર બે-બે ઉમેદવારોના ફોર્મ ભરાયા છે. જેમાં આદરજ મોટી-1 અને 2 સીટો, ચંદ્રાલા, છાલા, ડભોડા-1 અને 2, મગોડી, પીપળજ, ઉવારસદ-1 અને 2, વલાદ, શાહપુર, સાદરા, રૂપાલ, રાયપુર બેઠકનો સમાવેશ થાય છે. જ્યારે કોંગ્રેસે માત્ર ચાર બેઠકો ઉપર ડમી ઉમેદવારોને પણ ફોર્મ ભરાયા છે. તેમાં સોનારડા, વલાદ, ડભોડા-1, ચંદ્રાલા બેઠકમાં બે ઉમેદવારોના ફોર્મ ભરાયા છે. ઉમેદવારી ફોર્મ ભરવાનો તારીખ 1લી, ફેબ્રુઆરી છેલ્લો દિવસ હતો. તાલુકા પંચાયતની તમામ બેઠકો ઉપર ચૂંટણી લડવાનું આમ આદમી પાર્ટી દ્વારા એલાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પક્ષને ઉમેદવારો નથી મળ્યા કે પછી ઉમેદવારો નહી ઉભા રાખવાનું પક્ષે નક્કી કર્યું તેવી અટકળો રાજકીય બેડામાં જોવા મળી રહી છે. કેમ કે આમ આદમી પાર્ટીએ એકમાત્ર મગોડી બેઠક ઉપર જ ઉમેદવારનું ફોર્મ ભર્યું છે.
ગાંધીનગર તાલુકા પંચાયતની 7 બેઠકો ઉપર અપક્ષ ઉમેદવારો રાજકીય પક્ષોના સમીકરણ ઉંધા પાડી શકે તેમ છે. તેમાં રૂપાલ, શાહપુર, શિહોલી મોટી, ઉવારસદ-1, છાલા, ધણપ, પ્રાંતિયા બેઠકો ઉપર અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોવાથી છેલ્લા દિવસ સુધી ફોર્મ પરત ખેંચાવા માટે રાજકીય પક્ષો સામ-દામ દંડ અને ભેદની નીતિ અપનાવે તેવી શક્યતા રહેલી છે. કેમ કે જો અપક્ષો ફોર્મ પાછા નહી ખેંચે તો ભાજપ અને કોંગ્રેસના હાથમાં આવેલો કોળિયો છિનવાય તેવી શક્યતા રહેલી છે.