રાજકોટ જિલ્લા પંચાયતના સ્થળાંતર દરમિયાન ભંગાર વાહનો ખસેડવા 80.000 ખર્ચાયા
- અગાઉ સ્થળાંતર પાછળ રૂપિયા 84 લાખનો ખર્ચ કરાયો હતો,
- વિપક્ષ દ્વારા કૌભાંડનો આક્ષેપ કરાતા તપાસ સોંપાઈ,
- સત્તાધિશો કહે છે, વાહનો સંપૂર્ણ બંધ હાલતમાં હોવાથી ટોઈંગ વાનથી ખસેડવી શક્ય નથી
રાજકોટઃ જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ જર્જરિત બનતા નવુ બનાવવામાં આવી રહ્યું છે. અને જિલ્લા પંચાયત બિલ્ડિંગમાં કાર્યરત તમામ કચેરીઓનું એકાદ વર્ષથી મોચી બજાર સ્થિત જૂના કોર્ટ બિલ્ડીંગમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. જુના જિલ્લા પંચાયતના કમ્પાઉન્ડમાં ભંગાર હાલતમાં બંધ પડેલા વાહનોનો નિકાલ કરવાને બદલે વાહનોના સ્થળાંતર માટે રૂપિયા 80.000નો ખર્ચ કરાતા વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જ્યારે તંત્ર દ્વારા એવો બચાવ કરવામાં આવ્યો છે કે, સાવ કંડમ હાલતમાં વાહનો હોવાથી ટોઈંગ વાનથી ખસેડવા શક્ય નહીં હોવાના કારણે ક્રેઈનની મદદ લેવી પડી છે. જેના લીધે ખર્ચમાં વધારો થયો છે.
રાજકોટ જિલ્લા પંચાયતમાં 36 પૈકી 30 સભ્યોની જંગી બહુમતિ સાથે ભાજપનું શાસન છે, ને સબળ વિરોધ પક્ષ નહીં હોવાથી સત્તાધીશોને મોકળું મેદાન મળી ગયું હોય એમ વહીવટ ચાલી રહ્યો હોવા મુદ્દે વારંવાર વિવાદના વંટોળો સર્જાતા રહે છે. થોડા દિવસો પહેલા જિલ્લા પંચાયતની કચેરીઓના સ્થળાંતર પાછળ રૂા.84 લાખના ખર્ચ કરાતા વિવાદ ઊભો થયો હતો. આ મુદ્દે વિપક્ષ દ્વારા તપાસની માગ કરાતા હાલ તપાસ કમિટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે સત્તાધિશોએ ભંગાર વાહનો ખસેડવા માટે 80.000નો ખર્ચ કરતા ફરી વિવાદ ઊભો થયો છે.
રાજકોટ જિલ્લા પંચાયતનું નવું બિલ્ડિંગ નિર્માણ પામી રહ્યું હોવાથી એકાદ વર્ષથી મોચી બજાર સ્થિત જૂના કોર્ટ બિલ્ડીંગમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેમાં સાફ-સફાઈ, ફર્નિચર હેરફેર, રીપેરીંગ કામ, ચેમ્બર સેટઅપ વગેરે પાછળ રૂા.84 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં કૌંભાડ થયાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવતા વિશેષ તપાસ સમિતિની રચના કરીને 15દિવસમાં રીપોર્ટ સોંપવાની ડીડીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે. જે તપાસને હવે એક સપ્તાહ બાકી છે, ત્યારે ભંગાર વાહનો ખસેડવા રૂા.80 હજારનો ખર્ચ પણ શંકાના દાયરામાં આવી ગયો છે.
જિલ્લા પંચાયતનાં પ્રમુખ પ્રવિણાબેન રંગાણી અને કારોબારી ચેરમેન પી. જી. કયાડાએ થોડા દિવસો પહેલા સ્થળાંતર ખર્ચના વિવાદ સમયે જાહેર કરેલા હિસાબમાં ઉલ્લેખ છે કે, 'જૂની જિલ્લા પંચાયત કચેરીમાં 10 જેટલી વિવિધ શાખાની કંડમ કરવાની થતી ગાડીઓને ક્રેઈનમાં ચડાવીને કોર્ટ બિલ્ડિંગના કેમ્પસમાં મુકવાનો ખર્ચ રૂા.80.000 થયો છે. જે ગાડીઓ સંપૂર્ણ બંધ હાલતમાં હોવાથી ટોઈંગ વાનથી ખસેડવી શક્ય નહીં હોવાથી ક્રેઈનની મદદ લેવી પડી છે.' આ મુદે વિપક્ષના નેતા મનસુખ સાકરીયાએ આક્ષેપ કર્યો હતો કે, ભંગારમાં પણ કોઈ ભાવ ન પુછે એવી કંડમ ગાડીઓનો નિકાલ કરી નાખવાને બદલે માત્ર અડધો કિ.મી. શિફ્ટીંગ પાછળ રૂા.80 હજારનો ધૂમાડો કરવો વ્યાજબી નથી.