ગુજરાતના 80 જળાશયો 100 ટકા છલકાયાં, 108 ડેમ હાઈ એલર્ટ પર
- નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા 15માંથી 5 ગેટ બંધ કરાયા,
- રાજ્યમાં 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર 80 ટકા,
- ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર 19 ફૂટને પાર
અમદાવાદઃ મધ્ય પ્રદેશમાં ઈન્દિરાસાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા સરદાર સરોવરની જલસપાટી 454.98 ફુટે પહોંચતા ડેમના 15 દરવાજા ખોલીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર 19 ફૂટને વટાવી ગયું હતું, જોકે સરદાર સરોવર ડેમના ખોલાયેલા 15 દરવાજામાંથી 5 દરવાજા બંધ કરવામાં આવતા ગોલ્ડન બ્રિજની જળ સપાટી સ્થિર બની છે. દરમિયાન હાલ ગુજરાતના 80 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે, જ્યારે 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર 80 ટકા છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 15 ગેટમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો નોંધાયો હતો. નર્મદા નદીનું જળસ્તર 19 ફૂટને વટાવી ગયું હતું. નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે, જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે. સમગ્ર પરિસ્થિતિ પર તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. કાંઠા વિસ્તારના 20થી વધુ ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું હતું. જો કે સરદાર સરોવરના 15માંથી 5 દરવાજા બંધ કરાતા નર્મદા નદીમાં પાણીની આવક ઘટી રહી છે. હાલ 10 ગેટમાંથી પાણી છોડાઇ રહ્યું છે. જેના પગલે સવા 19 ફૂટ પર ગોલ્ડન બ્રિજ પર સપાટી બપોરથી સ્થિર રહ્યા બાદ સપાટીમાં ઘટાડો થવા લાગ્યો હતો.