બાબરિયા રેન્જમાં સિંહદર્શન માટે ગેરકાયદે ઘુસેલા 8 શખ્સો ઝડપાયાં
અમરેલીઃ બાબરિયા રેન્જમાં દરરોજ મોટી સંખ્યામાં સિંહ દર્શન કરવા માટે પ્રવાસીઓ આવે છે. દરમિયાન બાબરિયા રેન્જમાં સિંહદર્શન કરવા માટે ગેરકાયદે રીતે ઘુસેલા 8 વ્યક્તિઓને વન વિભાગે ઝડપી લીધા હતા. તેમજ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર બાબરીયા રેન્જમાંથી 8થી વધુ શખ્સોને ફોરેસ્ટ વિભાગે ઝડપી પાડ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે બાબરીયા રેન્જ ના ઝાંખીયા નજીક વન વિભાગના ફોરેસ્ટ સેટલમેન્ટ વિસ્તારમાં રાત્રિના સમયે આ યુવાનો ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા હતા. તેઓ ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરવા માટે આંટા-ફેરા મારી રહ્યા હતા. અનિધિકૃત રીતે આ યુવાનો સંવેદશનશીલ વિસ્તારમાં ફરી રહ્યા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે બાબરીયા RFOની સૂચનાથી બાબરીયા રેન્જના જંગલ તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં વન વિભાગનો સ્ટાફ રાત્રી દરમિયાન પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ પેટ્રોલિંગ વિભાગે આ યુવાનોને રોકીને 80 હજારનો દંડ ફટકાર્યો હતો. તો બીજી તરફ બાબરીયા તેમજ આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરવાના ઈરાદે આંટા-ફેરા મારતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.