ભુજ, કેશોદ, જામનગર અને રાજકોટના હીરાસર સહિત 8 એરપોર્ટ તાત્કાલિક અસરથી ખુલ્યા
- ભારત-પાક. વચ્ચે યુદ્ધની સ્થિતિને લીધે બંધ કરાયા હતા
- 14મી મે સુધી એરપોર્ટ બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી હતી
- સ્થિતિ રાબેતા મુજબ થતાં આજથી એરપોર્ટ પ્રવાસીઓ માટે ખૂલ્લા મુકાયા
અમદાવાદઃ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદીઓએ હુમલો કરતા ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાતા સરહદી રાજ્ય ગુજરાતના રાજકોટ, જામનગર, ભૂજ અને કેશોદના એરપોર્ટ સલામતી માટે અને ઈમજન્સીના સમયમાં એરફોર્સ ઉપયોગ કરી શકે તે માટે પ્રવાસીઓ માટે બંધ કરાયા હતા. પ્રવાસીઓ માટેની વિમાની સેવા પણ બંધ કરવામાં આવી હતી. હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર થતાં અને સ્થિતિ રાબેતા મુજબની બનતા આજથી રાજકોટ, જામનગર, ભૂજ, કંડલા અને કેશોદના એરપોર્ટ ખૂલ્લા મુકવામાં આવ્યા છે.
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ સહિત જામનગર, ભૂજ, કંડલા અને કેશોદના એરપોર્ટ આજથી પ્રવાસીઓ માટે ખૂલ્લા મુકવામાં આવ્યા છે. રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટને એરપોર્ટ ઓથોરિટીએ પરમિશન આપતા પેસેન્જર ફ્લાઈટ માટે શરૂ કરવામાં આવી છે. 14 મેના બદલે 2 દિવસ વહેલું એરપોર્ટને શરૂ કરાયું છે. ઇન્ડિગો અને એર ઇન્ડિયા દ્વારા બુકિંગ શરૂ કરાયા બાદ ફ્લાઇટ રાબેતા મુબજ શરૂ કરાશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાતા પાકિસ્તાને એરસ્પેસ બંધ કરી દીધુ હતું. જેના કારણે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી તમામ ફ્લાઇટ્સ 7થી 14 મે સુધી રદ કરવામાં આવી હતી. આવો જ નિર્ણય લઈને જામનગર, ભૂજ, કેશોદ અને કંડલાના એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યા હતા. જોકે યુદ્ધ વિરામની જાહેરાત થતાં આજથી પ્રવાસીઓ માટેની ફ્લાઇટ્સ શરૂ કરવા માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જ્યારે ઇન્ડિગો અને એર ઇન્ડિયા એર લાઇન્સ દ્વારા બુકિંગ શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ ફ્લાઇટ્સનો પ્રારંભ થશે
14 મે સુધી ગુજરાતના ભુજ, કંડલા, કેશોદ, જામનગર, નલિયા, મુંદ્રા, હીરાસર (રાજકોટ) અને પોરબંદર એરપોર્ટ બંધ કરાયા હતાં. યુદ્ધ વિરામ બાદ સ્થિતિ સામાન્ય થતાં તમામ એરપોર્ટ પ્રવાસીઓ માટે ખૂલ્લા મુકાયા છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ઉપડનારી તમામ 10 ફ્લાઇટ્સ 7થી 14 મે સુધી રદ કરવામાં આવી હતી. જેથી દૈનિક 3,200 હવાઈ મુસાફરોને ટ્રેન, બસ અથવા તો કાર મારફતે જવું પડતું હતું. ઇન્ડિગો અને એર ઇન્ડિયાની તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવતા દરરોજ રાજકોટ એરપોર્ટ પર આવતા 1500, તો અહીંથી હવાઈ ઉડાન ભરી જતાં 1700 મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા એટલે કે 3200થી વધુ મુસાફરો હેરાનગતિમાં મુકાયા હતા. પણ આજથી એરપોર્ટ પ્રવાસીઓ માટે ખૂલ્લુ મુકાતા પ્રવાસીઓને રાહત થઈ છે.