અમદાવાદમાં સિનિયર સિટિઝનને ડિજિટલ એરેસ્ટ કરીને ઠગ શખસોએ 8.78 પડાવ્યા
- દિલ્હી સ્કૂલમાંથી નિવૃત થયેલી મહિલાએ નોંધાવી ફરિયાદ
- તમારા ફોનનો ઉપયોગ મની લોંડરીંગ માટે થયાનું કહી ધમકી આપી
- મહિલાને એક લેટર વોટ્સએપથી મોકલાયો
અમદાવાદઃ ગુજરાતમાં લોકોને તેના મોબાઈલ પર ફોન કરીને સીબીઆઈ, ઈડી કે પોલીસની ફેક ઓળખ આપીને ઠગ ટોળકી દ્વારા ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયા પડાવવાના બનાવો વધતા જાય છે. આવો જ એક બનાવ શહેરના ચાંદખેડા ખાતે રહેતા અને દિલ્હીની ઈન્ટરનેશનલ સ્કૂલના નિવૃત શિક્ષિકા એવા સિનિયર સિટિઝન મહિલા સાથે બનાવ બન્યો હતો. ઠગ ટોળકીએ મની લોંડરિંગ કર્યાનું કહીને તમારા મોબાઈલ નંબરથી અનેક વ્યવહારો થયા છે. એવું કહીને બાઈનાન્સની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી 8.78 લાખ ટ્રાન્સફર કરાવી દીધા હતા
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન મહિલાને ટેલિકોમ વિભાગમાંથી ફોન આવ્યો અને તેમના ફોનનો ઉપયોગ મની લોન્ડરિંગમાં થયો છે તેમ કહીં જેટ એરવેસના નરેશ ગોયલના કેસમાં તમારો નંબર મળ્યો છે કહીને ડરાવ્યા હતા. ત્યાર બાદ તમને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા છે. એવું કહીને બાઈનાન્સની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી 8.78 લાખ ટ્રાન્સફર કરાવી દીધા હતા. આ સમગ્ર મામલે સિનિયર સિટીઝન મહિલાએ સાયબર ક્રાઈમને જાણ કરતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સાયબર ક્રાઈમના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ચાંદખેડામાં રહેતા નિતાબેન સમરજીત અરૂણચંદ્રદાસ કુમાર (ઉ.વ. 62)એ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ હરિયાણાના ગુડગાંવની ઇન્ટરનેશનલ સ્કૂલમાં નિવૃત્ત થયા હતા. 2 જાન્યુઆરીએ તેમના પતિ દિલ્હી ગયા ત્યારે તેઓ ઘરે એકલા હતા. બપોરના 12 વાગ્યાના અરસામાં તેમના પર એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને કહ્યું કે, તમારો મોબાઈલ નંબર બંધ થઇ જશે. પરંતુ કયા કારણથી ફોન બંધ થઈ જશે તે પૂછતા સામેથી જણાવ્યું હતું કે, જો તમારે વધારે વિગત જાણવી હોય તો 9 નંબર દબાવો જેથી સામેથી એક વ્યક્તિ અંગ્રેજીમાં બોલતો હતો. એરેસ્ટ ધીસ લેડી નિતા કુમાર, ત્યાર બાદ એક મહિલા હિન્દીમાં વાત કરવા લાગી અને એક મોબાઈલ નંબર કહીને કહ્યું કે, આ તમારો નંબર છે. જેના જવાબમાં નિતાબેને ના પાડી હતી. પરંતુ તે મહિલાએ કહ્યું કે, આ નંબર તમારા નામે રજિસ્ટ્રેશન થયો છે. જેના આધારે કોરોડ રૂપિયાનું ટ્રાન્જેક્શન થયું છે. જે બાબતે મની લોન્ડરિંગનો ગુનો મુંબઇમાં નોંધાયો છે. ત્યાર બાદ સામેની વ્યક્તિએ એક ડિટેઇલ લખો કહીને તમે ક્યારે મુંબઇ આવ્યા હતા અને FIR નંબર નોટ કરાવ્યો હતો. આ વાત ચાલતી હતી ત્યારે મહિલાએ નિતાબેનને કહ્યું કે, હું તમારો નંબર ઇન્સ્પેક્ટર રાહુલને ટ્રાન્સફર કરું છું જે તમારી સાથે વાત કરશે. ત્યાર બાદ પોલીસ ઇન્સ્પેક્ટર અને ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ તમને NOC આપશે તેમ કહીને વોટ્સએપ વીડિયો કોલ પર તમારી સાથે હવે આગળના અધિકારીઓ વાત કરશે તેમ જણાવ્યું હતું. ત્યાર બાદ મહિલાને વીડિયો કોલ આવ્યો હતો જેમાં મહારાષ્ટ્ર પોલીસનો લોગો હતો. મહિલાને એક લેટર વોટ્સએપ કરવામાં આવ્યો હતો. જેમાં મહિલાનું નામ નોંધાયેલા ગુનાની વિગત અને તેમને છથી આઠ વર્ષની સજા થશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મહિલાને નરેશ ગોયલે એક ફોટો મોકલી આપ્યો હતો અને પૂછ્યું હતું કે, તમે તેમને ઓળખો છો. મેં જણાવ્યું કે મેં તેમનું નામ સાંભળ્યું છે ઓળખતી નથી, ત્યાર બાદ તેમને જણાવ્યું કે નરેશ ગોયલ જેટ એરવેઝના માલિક છે અને તેમની સામે મની લોન્ડ્રિંગનો કેસ ચાલુ છે.
ઠગ ટોળકી દ્વારા નીતાબેનને જણાવવામાં આવ્યું હતું કે, આ એ ખુબ જ ગંભીર ગુનો છે અને તેમાં તમે કોઇને આ વાત જણાવી શકશો નહીં અને તમે આ વાત કોઇને જણાવી તો તમને મોટી સજા થઈ શકે છે. આટલું જ નહીં સામે તરફથી વાત કરનાર લોકોએ તેમના સાથે સ્ક્રીન શેરિંગ કરી હતી અને પહેલાં સમજાવીને પછી ડરાવીને તેમની સાથે અલગ અલગ પ્રકારે વાત કરતા હતા તેમને વિશ્વાસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો અને તેમનો ફોન ચાર્જિંગમાં મૂકીને ફોન ડિસ્કનેક્ટ ના થાય તે માટે ખાસ સૂચના આપી હતી. આ બધુ ચાલી રહ્યું હતું ત્યારે આ લોકોએ નિતાબેનના આધારકાર્ડ, પાનકાર્ડની વિગત મેળવીને બાયનાન્સની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી લીધી હતી, ત્યાર બાદ તેમના બેંક એકાઉન્ટની ડિટેલ અલગ અલગ જગ્યાએ આપવાની હોવાનું કહીને આરટીજીએસ તેમના એકાઉન્ટમાંથી 8.87 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા.