For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

લીમખેડામાં ગર્લ્સ રેસીડેન્સિયલ સ્કૂલમાં ભોજન લીધા બાદ 75 વિદ્યાર્થિનીઓને ઝાડા-ઊલટી

06:30 PM Jul 03, 2025 IST | revoi editor
લીમખેડામાં ગર્લ્સ રેસીડેન્સિયલ સ્કૂલમાં ભોજન લીધા બાદ 75 વિદ્યાર્થિનીઓને ઝાડા ઊલટી
Advertisement
  • 75 વિદ્યાર્થિનીઓની કઢી-ખીચડી, ચણાનું શાક અને રોટલી જમ્યા બાદ તબિયત લથડી,
  • પાંચ એમ્બ્યુલન્સની મદદથી વિદ્યાર્થિનીઓને હોસ્પિટલ ખસેડાઈ,
  • ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રસોઈના નુમના લઈને હાથ ધરી તપાસ

 દાહોદઃ વરસાદી સીઝનમાં પણ ફુડ પોઈઝનિંગના બનાવો બની રહ્યા છે. ત્યારે લીમખેડા મોડેલ સ્કૂલમાં રહેતી મંડોર લુખડિયાની ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલની 75 જેટલી વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગની અસર થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. આ બનાવની જાણ થતાં વાલીઓ દોડી આવ્યા હતા. પ્રાથમિક અહેવાલ મુજબ સાંજે 6:30 વાગ્યે વિદ્યાર્થિનીઓએ કઢી-ખીચડી, ચણાનું શાક અને રોટલી જમ્યા બાદ તેમની તબિયત લથડી હતી. વિદ્યાર્થિનીઓને પેટમાં દુખાવો, ઊલટી અને ઝાડાની ફરિયાદ થતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા લીમખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. પાંચ એમ્બ્યુલન્સની મદદથી તમામને હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી. અને આરોગ્ય કેન્દ્રમાં 30 બેડની મર્યાદાને કારણે કેટલીક વિદ્યાર્થિનીઓને જમીન પર ગાદલા પાથરીને સારવાર અપાઈ હતી. ત્યારબાદ 14 વિદ્યાર્થિનીઓને પીપલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી.

Advertisement

બનાવની વિગત એવી જાણવા મળી છે કે,  ધાનપુર તાલુકાની મંડોર ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલ હાલમાં મકાનના બાંધકામના કારણે લીમખેડાની મોડલ સ્કૂલના કેમ્પસમાં શિફ્ટ કરવામાં આવી છે. ગતરાત્રે ગર્લ્સ રેસીડેન્સિયલ સ્કૂલની 360 જેટલી વિદ્યાર્થિનીઓ રાતનું ભોજન લીધા બાદ પોતાના રૂમમાં પરત આવી હતી. તેની થોડી જ મિનિટોમાં એક-બે છોકરીને પેટમાં દુખાવો અને ઊલટી થઈ હતી. આ બનાવની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી, ત્યાં સુધીમાં તો 12 જેટલી વિદ્યાર્થિનીઓની તબિયત બગડી હતી. જેના પગલે તાત્કાલિક તમામને લીમખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. પરંતુ એક પછી એક 75 જેટલી વિદ્યાર્થિનીઓની પણ તબિયત લથડતા દોડધામ મચી ગઈ હતી. એમ્બ્યુલન્સ મારફતે 56 વિદ્યાર્થિનીઓને લીમખેડા લઈ જવામાં આવી હતી. જ્યારે અન્ય વિદ્યાર્થિનીઓની હોસ્ટેલમાં સારવાર શરૂ કરવામાં આવી હતી.

આ બનાવની જાણ થતાં લીમખેડા પ્રાંત અધિકારી એ.કે. વાઘેલાએ દોડી આવીને હોસ્ટેલનું પાણી બંધ કરાવી મિનરલ વોટરની વ્યવસ્થા કરી છે. આરોગ્ય વિભાગની 10 ટીમોએ સ્ક્રિનિંગ શરૂ કર્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ભોજનના નમૂના તપાસ માટે મોકલ્યા છે. પ્રાંત અધિકારીએ જરૂરી માહિતી મેળવી વિદ્યાર્થિનીઓની સારવારની વ્યવસ્થા ગોઠવી હતી. દર્દીઓની સંખ્યા વધતી જતી હતી, જેથી દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે પણ વ્યવસ્થા તૈયાર કરાવી હતી. સાથે જ તમામનું સ્ક્રીનિંગ અને જરૂરી દવાઓની વ્યવસ્થા કરી હતી. વિદ્યાર્થિનીઓની સારવાર શરૂ કરતા ધીરે ધીરે તમામની તબિયત સુધારા ઉપર જોવા મળી રહી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement