હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

વડોદરા એમ એસ યુનિવર્સિટીનો 74મો પદવીદાન સામારોહ યોજાયો

05:28 PM Nov 09, 2025 IST | Vinayak Barot
Advertisement

 વડોદરાઃ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના 74મા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી અને શિક્ષણ મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજા સહિતના મહાનુભાવો દ્વારા કુલ 354 સુવર્ણપદકો એનાયત કરવામાં આવ્યા હતા. 229  સુવર્ણપદક મેળવનારાઓમાં 163  વિદ્યાર્થિનીઓ અને 66 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

Advertisement

દીક્ષાંત પ્રવચનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સુવર્ણપદક મેળવનારા અને પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીને ઉજ્જવળ ભવિષ્યની કામના કરતા જણાવ્યું હતું કે, આજનો દિવસ મહત્વનો હોવાની સાથે મંથન કરવાનો પણ છે. વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત માટે આપણે શું યોગદાન આપી શકીએ, તે દીક્ષાંત સમારોહના પવિત્ર દિવસે ચોક્કસથી વિચારવું જોઈએ.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ભારતના ભવ્ય અને સમૃદ્ધ વારસા તેમજ ગૌરવને ફરી પ્રસ્થાપિત કરી તેને આગળ વધારવાનું કામ કરી રહ્યા છે, ત્યારે સમાજને શિક્ષિત, વિકસિત અને સમૃદ્ધ બનાવવાની જવાબદારી યુવાઓના શિરે હોય છે. સમાજકલ્યાણનો ભાવ રાખીને ભારતીય જીવન મૂલ્યો અને સંસ્કૃતિના અભિન્ન અંગ બનવા રાજ્યપાલએ ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.

Advertisement

મહારાજા સયાજીરાવ ગાયકવાડનું જીવન આજની અને આવનારી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત છે તેમ કહીને રાજ્યપાલએ મહારાજાના શિક્ષણપ્રેમ અને પ્રજાપાલનની વાત કરી હતી. નવસ્નાતકોને શીખ આપતા રાજ્યપાલએ કહ્યું કે, યુનિવર્સિટીમાંથી જે શિક્ષણ મેળવ્યું છે, એના ઉપયોગ થકી સમાજને પરત આપવાનો સમય છે. શિક્ષણનો ઉદ્દેશ શ્રેષ્ઠ સમાજ અને ઉન્નત રાષ્ટ્ર નિર્માણનો છે.

પ્રાચીન ભારતમાં દીક્ષાંત સમારોહનું આગવું મહત્વ સંસ્કૃતના શ્લોકો અને વેદોના ઉલ્લેખ સાથે સમજાવીને રાજ્યપાલએ ગુરૂકુળમાં મળતા શિક્ષણધન અને સમાવર્તન સંસ્કારની રસપ્રદ અને પ્રેરક પરંપરાની ઝાંખી કરાવી હતી. તેમણે પદવી મેળવનારા વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, હવે તમે કાર્યક્ષેત્રમાં જઈ રહ્યા છો, ત્યારે સમાજ અને દેશને તમારાથી ખૂબ અપેક્ષાઓ છે. સત્યના આચરણ સાથે કર્તવ્યનું પાલન અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને હૈયે રાખીને વિદ્યાનો વ્યાપ સમાજના તમામ વર્ગ અને લોકોમાં ફેલાવવા માટે રાજ્યપાલએ આહ્વાન કર્યું હતું.

શિક્ષણ મંત્રી  ડૉ. પ્રદ્યુમન વાજાએ મહર્ષિ વેદ વ્યાસે આપેલી જ્ઞાન અને કર્મની વિભાવનાને ટાંકીને જણાવ્યું હતું કે, પદવી મેળવ્યા બાદ વિદ્યાર્થીઓની જવાબદારી માત્ર વ્યક્તિગત ઉત્કર્ષ પૂરતી સીમિત ન રહેતા, રાષ્ટ્ર નિર્માણ અને સમાજ કલ્યાણના પવિત્ર કાર્યમાં સક્રિય યોગદાન આપવાની હોય છે. એમ. એસ. યુનિવર્સિટીનો ઉદ્દેશ શિક્ષણનો ફેલાવો છે અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી ગુજરાત સરકારનો લક્ષ્ય પણ શિક્ષણના સતત ફેલાવા સાથે વિકાસના શિખરો સર કરવાનો છે.

શિક્ષણ મંત્રી  ડો. વાજાએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના કુશળ નેતૃત્વમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણથી ભારતીય જ્ઞાનની ગૌરવપૂર્ણ પરંપરાનું પુનરોત્થાન થયું છે. આ નવી શિક્ષણ નીતિમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડના જીવનદાયી વિચારો અને પ્રેરણાના પણ દર્શન થાય છે. પોતાના વડોદરા સાથેના સંબંધોનો ઉલ્લેખ કરીને શિક્ષણ મંત્રીશ્રીએ ડો. બાબાસાહેબ આંબેડકરની મહારાજા સયાજીરાવ ગાયકવાડે એનાયત કરેલી ડિગ્રીનો ઉલ્લેખ કર્યો હતો.

વંદે માતરમ્ ગાન અને લોહ પુરૂષ સરદાર પટેલની 150મી જન્મજયંતિ હોવાથી આ વર્ષે પદવી મેળવનાર વિદ્યાર્થીઓ વધારે ગર્વ અનુભવશે, તેમ કહી મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ, તેમના માતા-પિતા અને પ્રાધ્યાપકોને અભિનંદન પાઠવ્યા હતા. સ્વામી વિવેકાનંદના શબ્દોને ટાંકીને મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને સતત શીખવાની ધગશ રાખવાની સોનેરી શીખ આપી હતી. વિદ્યાર્થીઓને આવતીકાલના જવાબદાર નાગરિકો તરીકે સંબોધીને ડો. વાજાએ જીવનમાં આવતા પડકારોનો સામનો કરીને વિકસિત ભારતમાં સહભાગી થવા અનુરોધ સાથે સફળ થવાના પ્રેરણાદાયી મંત્રો આપ્યા હતા.

ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવતા કુલાધિપતિ રાજમાતા  શુભાંગિની રાજે ગાયકવાડે પદવીધારકોને માનવકલ્યાણ અને સમૃદ્ધિ માટે સખત મહેનતથી કામ કરવાનો માર્ગ પ્રશિસ્ત કરી પોતાના ચારિત્ર્ય, સંસ્કાર થકી યુનિવર્સિટીનું નામ ગૌરવાન્તિ કરવા જણાવ્યું હતું.

Advertisement
Tags :
74th ConvocationAajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharM S UniversityMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article