2025માં ESI યોજના હેઠળ 74 ટ્રાન્સજેન્ડર કર્મચારીઓ નોંધાયા
ESICના કામચલાઉ પગારપત્રક ડેટા દર્શાવે છે કે ફેબ્રુઆરી, 2025માં 15.43 લાખ નવા કર્મચારીઓ ઉમેરાયા છે. ફેબ્રુઆરી, 2025માં ESI યોજનાના સામાજિક સુરક્ષા દાયરામાં 23,526 નવી સંસ્થાઓ લાવવામાં આવી છે, જેનાથી વધુ કામદારોની સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે. ફેબ્રુઆરી મહિનામાં યોગદાન આપનારા તમામ વર્તમાન કર્મચારીઓની સંખ્યાનો આંકડો 2,97,04,614 ઉપર પહોંચ્યો છે. વર્ષ 2024ના ફેબ્રુઆરી મહિનામાં આ આંકડો 2,91,38,395 હતો. આમ 5,66,219નો વધારો થયો છે.
ડેટા પરથી સ્પષ્ટ થાય છે કે મહિના દરમિયાન ઉમેરાયેલા કુલ 15.43 લાખ કર્મચારીઓમાંથી 7.36 લાખ કર્મચારીઓ, જે કુલ નોંધણીના લગભગ 47.7% છે, 25 વર્ષ સુધીની વય જૂથના છે. ઉપરાંત, પગારપત્રકના ડેટાના જેન્ડર મુજબ વિશ્લેષણ દર્શાવે છે કે ફેબ્રુઆરી, 2025માં મહિલા સભ્યોની ચોખ્ખી નોંધણી 3.35 લાખ હતી. આ ઉપરાંત ફેબ્રુઆરી, 2025માં કુલ 74 ટ્રાન્સજેન્ડર કર્મચારીઓએ પણ ESI યોજના હેઠળ નોંધણી કરાવી છે, જે સમાજના દરેક વર્ગ સુધી તેના લાભો પહોંચાડવા માટે ESIC ની પ્રતિબદ્ધતા સાબિત કરે છે. પગારપત્રકનો ડેટા કામચલાઉ છે કારણ કે ડેટા જનરેશન એક ચાલુ કવાયત છે.