For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં એક વર્ષમાં 71.191 લોકોને કૂતરા કરડ્યાં, પ્રતિદિન 199 કેસ નોંધાય છે

05:46 PM Apr 28, 2025 IST | revoi editor
અમદાવાદમાં એક વર્ષમાં 71 191 લોકોને કૂતરા કરડ્યાં  પ્રતિદિન 199 કેસ નોંધાય છે
Advertisement
  • શહેરના 15 વોર્ડમાં કૂતરાનો સૌથી વધુ ત્રાસ, કૂતરા કરડવાના સાબરમતી
  • ચાંદખેડા, થલતેજ, મણિનગરમાં સૌથી વધુ કેસ નોંધાયા
  • શહેરમાં રખડતા કૂતરાની સંખ્યા બે લાખથી વધુ

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કૂતરાના ખસ્સીકરણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાંયે કૂતરાની વસતીમાં વધારો થઈ રહ્યો છે. તેના લીધે કૂતરા કરડવાના બનાવો પણ વધી રહ્યા છે.  શહેરમાં વર્ષ 2023-24માં 71,191 લોકોને કૂતરાં કરડ્યાં હતાં. જ્યારે 2024-25માં આ સંખ્યા વધીને 72,591 થઈ ગઈ હતી. એટલે કે, કૂતરાં કરડવાના કેસમાં 1400નો વધારો થયો છે. 2024-25માં દરરોજ સરેરાશ 199 કૂતરાં કરડવાના કેસ નોંધાયા હતા.

Advertisement

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રખડતા કૂતરાના ખસ્સીકરણ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. એએમસીના કહેવા મુજબ અત્યાર સુધીમાં 85 ટકા કૂતરાંનું ખસીકરણ કર્યું છે. શહેરમાં અંદાજે 1.5થી 2 લાખની સંખ્યામાં રખડતાં કૂતરાં છે. રખડતા કૂતરાની સંખ્યામાં ઘટાડો કરવા માટે ખસીકરણ અને રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે.  શહેરમાં 2019-20ના નાણાકીય વર્ષમાં કૂતરાં કરડવાના 70,043 કેસ નોંધાયા હતા. જોકે કોવિડ સમયગાળા દરમિયાન કૂતરાં કરડવાના કેસમાં ઘટાડો નોંધાયો હતો. વર્ષ 2020-21માં ફકત 46,436 કેસ નોંધાયા હતા. જોકે, તેના પછીના વર્ષથી કૂતરાં કરડવાના કેસમાં સતત વધારો નોંધાયો છે. 2021-22માં 50,397, 2022-23માં 60,330, 2023-24માં 71,191 અને 2024-25માં 72,591 કૂતરાં કરડવાના કેસ નોંધાયા હતા. જોકે, કૂતરાંને લગતી ફરિયાદોની સંખ્યામાં ઘટાડો થયો છે.

એએમસીના સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ  2023-24માં કૂતરાંને લગતી 7,976 ઓનલાઇન ફરિયાદો મ્યુનિ.ને મળી હતી, જે 2024-25માં ઘટીને 6,739 થઈ ગઈ છે. 48 વોર્ડમાંથી 15 વોર્ડમાં કૂતરા કરડાવાના સૌથી વધુ કેસ નોંધાયા છે. જેમાં સાબરમતી, ચાંદખેડા, ઘાટલોડિયા, થલતેજ, મકતમપુરા, સરખેજ વોર્ડનો સમાવેશ થાય છે. જ્યારે પૂર્વ અમદાવાદમાં અસારવા, દરિયાપુર, સરદારનગર, બાપુનગર, કુબેરનગર, મણિનગર, લાંભા, ઇસનપુર અને વટવા વોર્ડ હોટસ્પોટ છે.

Advertisement

સૂત્રોએ ઉમેર્યુ હતુ કે, અમદાવાદ શહેરમાં અંદાજે 2 લાખ જેટલા રખડતાં કૂતરા હોવાનો અંદાજ છે. દરરોજ 30થી 40 કૂતરાઓનું રસીકરણ કરાય છે. શહેરમાં 85 ટકા રખડતાં કૂતરાંનું ખસીકરણ કરવામાં આવ્યું છે. રખડતાં ઢોરની જેમ કૂતરાં માટે પણ માઇક્રોચિપ આરએફઆઈડી ખરીદવામાં આવશે. રસીકરણ થયા પછી ચિપ ઇન્જેક્ટ કરવામાં આવશે, જેનાથી રસીકરણની તારીખનો અંદાજ આવી જશે.

Advertisement
Tags :
Advertisement