ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં 71 લોકોના થયા મૃત્યુ
ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 71 લોકો માર્યા ગયા છે. મૃતકોમાં એન્ક્લેવના પોલીસ ફોર્સના વડા અને તેમના નાયબનો પણ સમાવેશ થાય છે. ગાઝાની સરકારી મીડિયા ઓફિસે જણાવ્યું હતું કે, ઇઝરાયલી દળોએ ગુરુવારે 30થી વધુ હુમલાઓ કર્યા. આમાં અલ-મવાસીના કહેવાતા માનવતાવાદી વિસ્તાર અને ઉત્તરી ગાઝાના જબાલિયા શરણાર્થી શિબિર પરના હુમલાનો સમાવેશ થાય છે.
મીડિયા ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ઇઝરાયલી હવાઈ હુમલામાં નાગરિકો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવામાં આવ્યું હતું." ગાઝા પોલીસ વડા મહમૂદ સાલાહ અને તેમના નાયબ હુસમ શાહવાન અલ-મવાસીમાં તંબુ કેમ્પ પર થયેલા હુમલામાં માર્યા ગયેલા 12 લોકોમાં સામેલ હતા. મહમૂદ સલાહ અનુભવી અધિકારી હતા. તેણે પોલીસમાં 30 વર્ષ ગાળ્યા હતા અને લગભગ છ વર્ષ સુધી તેનો ચીફ હતો. ગાઝાના ગૃહ મંત્રાલયે આ હત્યાઓની નિંદા કરતા કહ્યું કે બે પોલીસ અધિકારીઓ 'અમારા લોકોની સેવા કરીને તેમની માનવતાવાદી અને રાષ્ટ્રીય ફરજ પૂરી કરી રહ્યા છે.' મંત્રાલયે ઘાતક હુમલા દ્વારા ઈઝરાયેલ પર 'અરાજકતા' ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયે જણાવ્યું હતું હતું કે, તેમણે વાટાઘાટકારોને કતારની રાજધાની દોહામાં બંધકોની મુક્તિ માટેના સોદાને અંતિમ સ્વરૂપ આપવા માટે વાતચીત ચાલુ રાખવા જણાવ્યું છે. તાજેતરમાં ઇઝરાયેલ અને હમાસે એકબીજા પર કરારમાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો હતો. કતાર, ઇજિપ્ત અને યુનાઇટેડ સ્ટેટ્સ ઘણા મહિનાઓથી પરોક્ષ વાટાઘાટો દ્વારા બંને પક્ષો વચ્ચે અંતિમ ડીલ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.
7 ઑક્ટોબર 2023 ઇઝરાયેલમાં હમાસ દ્વારા કરવામાં આવેલા મોટા હુમલાના જવાબમાં, યહૂદી રાજ્યએ પેલેસ્ટિનિયન જૂથ દ્વારા કબજા હેઠળની ગાઝા પટ્ટીમાં લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી. હમાસના હુમલામાં લગભગ 1200 લોકો માર્યા ગયા હતા જ્યારે 250થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. ઇઝરાયેલના હુમલાઓએ ગાઝામાં વ્યાપક વિનાશ સર્જ્યો છે અને હજારો પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે.