માળિયા હાટિના નજીક ભંડુરી ગામ પાસે હાઈવે પર બે કાર અથડાતા 7નાં મોત
- જુનાગઢ-વેરાવળ હાઈવે પર બનેલો બનાવ,
- બે કાર અથડાયા બાદ કારમાં ગેસનો બાટલો ફાટતાં બાજુના ઝૂંપડામાં લાગી આગ,
- કાર વચ્ચે ઢોર આવી જતાં કાર ડિવાઈડર કૂદીને અન્ય કાર સામે અથડાઈ
જુનાગઢઃ ગુજરાતમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં જિલ્લામાં વધુ એક ગમખ્વાર અકસ્માતમાં 7ના મોત નિપજ્યા હતા. આજે સવારે જૂનાગઢ-વેરાવળ હાઈવે પર માળિયા હાટીના નજીક આવેલા ભંડુરી ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતાં સાત લોકોનાં મોત નીપજ્યાં હતા. આ ગંભીર અકસ્માતમાં સાત મૃતકમાં પાંચ વિદ્યાર્થીનો સમાવેશ છે, જે પરીક્ષા આપવા જતા હતા. બે કારની ટક્કર થતાં એક કારમાં રહેલો ગેસનો બાટલો ફાટતાં બાજુના ઝૂંપડામાં પણ આગ લાગી હતી.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, જૂનાગઢ-વેરાવળ હાઇવે પર માળિયા હાટીના નજીક આવેલા ભંડુરી ગામ પાસે આજે સવારે આઠ વાગ્યાના અરસામાં એક કાર પૂરફાટ ઝડપે આવી રહી હતી ત્યારે હાઈવે પર ઢોર આડુ ઉતરતા કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને સામેથી આવતી અન્ય કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં બેસીને પરીક્ષા આપવા જતા પાંચ વિદ્યાર્થી સહિત કુલ સાત લોકોનાં મોત થયાં હતા. બે કાર વચ્ચે ટક્કર થતાં એક કારમાં રહેલો ગેસનો બાટલો ફાટતાં બાજુમાં રહેલા ઝૂંપડામાં પણ આગ લાગી હતી.
માળિયા હાટીનાના ભંડુરી ગામ પાસે હાઇવે પર આજે સવારે બે કાર ધડાકાભેર સામસામે અથડાતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી સાથે પોલીસ અને 108ને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલા સાથે 108 અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયરની ટીમે ઝૂંપડામાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. જ્યારે પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને અકસ્માત કંઇ રીતે થયો એની વધુ તપાસ હાથ ધરી છે.
આ ગંભીર અકસ્માતના સીસીટીવી પણ વાયરલ થયા છે. એમાં જોઇ શકાય છે કે એક કાર બ્રિજ તરફથી જઇ રહી છે, જ્યારે સામેથી આવતી બીજી કાર કોઇ કારણોસર ડિવાઈડર કૂદીને બ્રિજ તરફથી જતી કારને સામેથી ટક્કર મારે છે. ટક્કર એટલી ભયંકર છે કે બંને કારનો કચ્ચરઘાણ વળી ગયો છે.
આ અકસ્માત અગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આજે સવારે આઠ વાગ્યાની આસપાસ માળિયાના ભંડુરી ગામ પાસે એક મારુતિ સેલેરિયો અને એક અન્ય કાર વચ્ચે ટક્કર થઇ હતી, જેમાં સાત લોકોનાં મોત થયાં છે. હાલ સાતેય મૃતદેહો માળિયાની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે