પંજાબના હોંશિયારપુરમાં ગમખ્વાર અકસ્માતમાં 7ના મોત, 32 ઘાયલ
હોશિયારપુરઃ પંજાબના હોશિયારપુર જિલ્લામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. હાજીપુરથી દસુયા જઈ રહેલી એક મીની બસ સાગરન ગામ પાસેથી પસા થઈ રહી હતી ત્યારે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા વાહન પલટી ખાઈ ગયું હતું. આ દૂર્ઘટનામાં સાત વ્યક્તિના મોત થયાં હતા. જ્યારે 32 જેટલા મુસાફરોને ઈજાગ્રસ્ત થયાં હતા. બસમાં 40થી વધારે પ્રવાસીઓ સવાર હોવાનું જાણવા મળે છે. આ અકસ્માત દસુહાના હાજીપુર રોડ નજીક સાગરા અડ્ડા નજીક થયો હતો.
પોલીસે જણાવ્યું હતું કે ડ્રાઇવરે બસ પરનો કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. મુકેરિયનના નાયબ પોલીસ અધિક્ષક કુલવિંદર સિંહ વિર્કે જણાવ્યું હતું કે ઘાયલોને તાત્કાલિક દસુયા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેટલાક ગંભીર રીતે ઘાયલ મુસાફરોને અદ્યતન સારવાર માટે નજીકની મોટી હોસ્પિટલોમાં રિફર કરવામાં આવ્યા છે. પોલીસે મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તેમના પરિવારોને જાણ કરવામાં આવી રહી છે. વિર્કે જણાવ્યું હતું કે અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી. તેની તપાસ કરવામાં આવી રહી છે.