મહાકુંભમાં મૌની અમાવસ્યા ઉપર 7.64 કરોડ શ્રધ્ધાળુઓએ પવિત્ર ડુબકી લગાવી
મૌની અમાવસ્યાના પાવન અવસરે મહાકુંભ 2025નું બીજું અમૃત સ્નાન કરવામાં આવ્યું હતું. પ્રયાગરાજમાં શાશ્વત અને શુદ્ધ ત્રિવેણી સંગમમાં કરોડો શ્રદ્ધાળુઓએ બીજું અમૃત સ્નાન કર્યુ હતું. મહાકુંભ માત્ર શ્રદ્ધા, માન્યતા અને ભક્તિનું પ્રતીક જ નથી, પરંતુ એકતા, સમાનતા અને સાંસ્કૃતિક વિવિધતાનું અસાધારણ ઉદાહરણ પણ છે. ભારતીયોની સાથે મોટી સંખ્યામાં વિદેશી શ્રદ્ધાળુઓએ પણ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું અને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના સાક્ષી બન્યા હતા.
આ પહેલીવાર હતું જ્યારે સંતો, નાગા સંન્યાસીઓ અને અખાડાઓએ સંગમમાં પ્રથમ ડૂબકી લગાવવાની ઐતિહાસિક પરંપરાને તોડી હતી. સંજોગોને ધ્યાનમાં રાખીને અખાડાઓએ તેમનું બ્રહ્મ મુહૂર્ત અમૃત સ્નાન મુલતવી રાખ્યું હતું અને ભક્તોને પ્રથમ ડૂબકી લગાવવાની મંજૂરી આપી હતી. અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે સર્વાનુમતે લેવાયેલા નિર્ણય દ્વારા તમામ અખાડાઓએ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પહેલા શ્રદ્ધાળુઓને અમૃત સ્નાન કરવાની મંજૂરી આપવા સંમતિ દર્શાવી હતી. એક વખત પરિસ્થિતિ સામાન્ય થઈ ગયા પછી અખાડાઓએ પ્રતીકાત્મક રીતે તેમની ભવ્ય અમૃત સ્નાન પરંપરાનું પાલન કર્યું.
આ બીજા અમૃત સ્નાનના દિવસે ભારતની ત્રણ પીઠના શંકરાચાર્યોએ પણ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી હતી. શંકરાચાર્યોએ ભક્તોને સંયમ જાળવવા અનુરોધ કર્યો હતો. આ દિવસે શૃંગેરી શારદા પીઠના જગતગુરુ શંકરાચાર્ય સ્વામી વિધુ શેખર ભારતીજી, દ્વારકા શારદા પીઠના જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી, અને જયોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. શંકરાચાર્યોએ સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે ડૂબકી લગાવી, રાષ્ટ્રના કલ્યાણ માટે આશીર્વાદ આપ્યા હતા.
અમૃત સ્નાનને સુચારુ રીતે પૂર્ણ કરવા કુંભ મેળા પ્રશાસને વ્યાપક વ્યવસ્થા કરી હતી. સમગ્ર મેળા વિસ્તારમાં અભૂતપૂર્વ સુરક્ષા પગલાં અમલમાં મૂકવામાં આવ્યા હતા, જેમાં રાજ્ય પોલીસ અને કેન્દ્રીય અર્ધલશ્કરી દળો બંનેને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા હતા. વહીવટીતંત્રે ભક્તોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં પણ લીધાં હતાં. આ ઉપરાંત, ગંગા સેવા દૂતને ઘાટ પર તૈનાત કરવામાં આવ્યા હતા, જેણે નદીની સ્વચ્છતા જાળવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. આ ગંગા સેવા દૂતોએ તરત જ નદીમાંથી ફૂલો અને અન્ય પ્રસાદને દૂર કર્યા, જેનાથી ગંગા અને યમુનાની સ્વચ્છતા સુનિશ્ચિત થઈ હતી. મેળાના વહીવટની સાથે સાથે સ્થાનિક વહીવટ, પોલીસ, સફાઇ કામદારો, સ્વયંસેવકો, નાવિકો અને કેન્દ્ર અને રાજ્ય સરકારોના વિવિધ સરકારી વિભાગોએ પણ આ વ્યવસ્થામાં ફાળો આપ્યો હતો.
મહાકુંભ 2025 આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવામાં પણ સફળ રહ્યો છે. કુંભ મેળા પ્રશાસને કાર્યક્રમની સુરક્ષા અને સફળતા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરી હતી. મહાકુંભની લોકપ્રિયતા અને તેના સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક સ્તરે માન્યતા મળી રહી છે. મહાકુંભની મુલાકાતે આવેલા વિદેશી શ્રદ્ધાળુઓ ભારતીય સંસ્કૃતિથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને ગંગામાં પવિત્ર સ્નાન કરવાની સાથે સાથે તેમણે ભારતની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનો પણ અનુભવ કર્યો હતો.
મહા કુંભ 2025 આસ્થા, એકતા અને વિવિધતાનું પ્રતિક છે. આ કાર્યક્રમ માત્ર ભારતને જ ઉજાગર નથી કરતો પરંતુ ભારતીય સંસ્કૃતિની મહાનતાને પણ સમગ્ર વિશ્વમાં ફેલાવી રહ્યો છે. મહાકુંભનો મેળો માત્ર ધાર્મિક રીતે મહત્વપૂર્ણ નથી, પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક એકતાનું પણ પ્રતીક છે.