ફિલીપિન્સમાં 7.5 તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર કરાઈ
દક્ષિણ ફિલીપિન્સના દાવો ઓરિએન્ટલ પ્રાંતમાં શુક્રવારે 7.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ પછી ફિલીપિન્સ વલ્કેનો એન્ડ સિસ્મોલોજી ઇન્સ્ટિટ્યૂટ (PHIVOLCS) એ મિંડાનાઓના દરિયાકાંઠા વિસ્તારો માટે સુનામીની ચેતવણી જાહેર કરી છે. અહેવાલ મુજબ, ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે 9.43 વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્ર દાવો ઓરિએન્ટલના માનેથી આશરે 44 કિલોમીટર ઉત્તરપૂર્વે અને જમીનથી આશરે 20 કિલોમીટર ઊંડાણે હતું. શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 7.6 જણાઈ હતી, પરંતુ બાદમાં તેને સુધારીને 7.5 દર્શાવવામાં આવી હતી.
ભૂકંપ બાદ તંત્ર દ્વારા તટિય વિસ્તારોમાં રહેનાર લોકોને તરત જ ઊંચી જગ્યાએ ખસવાની અને દરિયા કિનારાથી દૂર રહેવાની અપીલ કરી છે. સંસ્થાના જણાવ્યા મુજબ, અસરગ્રસ્ત વિસ્તારોમાં એક મીટરથી વધુ ઊંચી ખતરનાક સુનામી તરંગો થોડા જ મિનિટોમાં અથવા કલાકોમાં પહોંચી શકે છે. આ તરંગો ઘણા કલાકો સુધી ચાલુ રહી શકે છે અને સામાન્ય કરતાં વધુ ઊંચા હોઈ શકે છે. બંધ ખાડીમાં આ તરંગો વધુ ઊંચા થઈ શકે છે.
દાવો ઓરિએન્ટલ, દાવાઓ ડી ઓરો અને આસપાસના પ્રાંતોમાં સ્થાનિક આપદા જોખમ ઘટાડા તંત્રને સાબદુ રાખવામાં આવ્યા છે. સંભવિત આફ્ટરશોક્સ અને દરિયા સ્તરમાં ફેરફારને ધ્યાનમાં રાખીને સતત નજર રાખવામાં આવી હી છે. આ ભૂકંપ પૂર્વી વિસાયાસ ક્ષેત્રમાં ખાસ કરીને ઇસ્ટર્ન સમાર, સાઉધર્ન લેઈટે અને મધ્ય ફિલીપિન્સના લેઈટે પ્રાંતોમાં પણ અનુભવાયો હતો. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે ભૂકંપના કારણે કેટલીક ઈમારતોમાં તિરાડો પડી છે, પરંતુ અત્યાર સુધી જાનહાનિની કોઈ માહિતી મળી નથી. ઉલ્લેખનીય છે કે ફિલીપિન્સ પ્રશાંત મહાસાગરના “રિંગ ઓફ ફાયર” વિસ્તારના કિનારે આવેલું છે, જ્યાં વારંવાર જ્વાળામુખી પ્રવૃત્તિઓ અને ભૂકંપ આવે છે.