For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

નલિયામાં 7.5 ડિગ્રી, રાજકોટ અને અમરેલીમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી ઓછું

05:30 PM Dec 18, 2024 IST | revoi editor
નલિયામાં 7 5 ડિગ્રી  રાજકોટ અને અમરેલીમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી ઓછું
Advertisement
  • અમદાવાદમાં ઠંડીનું જોર ઘટતા લોકોને રાહત,
  • સૌરાષ્ટ્ર-ક્છમાં ઠંડીનું જોર યથાવત,
  • બનાસકાંઠામાં વાદળછાંયુ વાતાવરણ

અમદાવાદઃ ગુજરાતમાં કડકડતી ઠંડીમાં કેટલાક વિસ્તારોમાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. જ્યારે અમદાવાદ સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતના તાપમાનમાં થોડો વધારો થતાં ઠંડીનું જોર ઘટ્યું છે, તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે સવારથી વાદળછાંયા વાતાવરણને લીધે ખેડુતો ચિંતિત બન્યા છે.

Advertisement

સૌરાષ્ટ્ર-કચ્છમાં  કોલ્ડવેવની આગાહી વચ્ચે નલિયા ફરી એકવાર રાજ્યનું કોલ્ડપ્લેસ બન્યું છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 7.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે રાજકોટ અને અમરેલી જિલ્લામાં પણ તાપમાનનો પારો 10ની નીચે જતા લોકો ઠૂંઠવાયા હતા. જો કે, અમદાવાદમાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 1.2 ડિગ્રીનો વધારો થતા લોકોએ ઠંડીમાં રાહત અનુભવી હતી. અમદાવાદમાં એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થયો હતો. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં લોકોએ ઠંડીમાંથી રાહત મેળવી હતી. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં આજે સવારથી આકાશ વાદળછાંયુ બનતા ખેડૂતો ચિંતિત બન્યા હતા.

રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું જોર યથાવત જોવા મળી રહ્યું છે. કચ્છમાં કોલ્ડવેવની આગાહી વચ્ચે નલિયામાં સૌથી ઓછું 7.5 ડિગ્રી તાપમાન જ્યારે ભુજમાં 10.6, કંડલામાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં 9.3 ડિગ્રી, અમરેલીમાં 9.8 ડિગ્રી, પોરબંદરમાં 10.5 ડિગ્રી અને ભાવનગરમાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Advertisement

જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે,  તા 22 ડિસેમ્બર સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાંયુ વાતાવરણ રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. જોરદાર ગાજવીજ સાથે વીજળી પડવાની પણ શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો નોંધાશે. જોકે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક દરમિયાન કચ્છ જિલ્લામાં કોલ્ડવેવની આફત મંડરાઈ રહી છે એટલે કે અત્યંત ઠંડીનું જોર યથાવત રહેશે. આ સાથે જ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ હાલની સ્થિતિ કરતા પણ એકથી દોઢ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે તેવી શક્યતાઓ વ્યકત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ આગામી ત્રણ દિવસ ઠંડીનું પ્રમાણ યથાવત રહેવાની શક્યતાઓ છે જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે અથવા તો એકાદ ડિગ્રી સેલ્સિયસ વધારો નોંધાઈ શકે છે.

Advertisement
Tags :
Advertisement