PoKમાં 69 આતંકી લૉન્ચપેડ સક્રિય, 120 આતંકીઓ ઘુસણખોરી માટે જોઈ રહ્યાં છે મોકોઃ BSF
શ્રીનગર: ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ગિલગિત-બાલ્ટિસ્તાન અને પાક અધિકૃત કાશ્મીર (PoK)માં અનેક આતંકી ઠેકાણાઓ નષ્ટ કર્યા પછી પણ નિયંત્રણ રેખા (LoC)ની પાર હજુ પણ 69થી વધુ આતંકી લૉન્ચ પેડ સક્રિય છે. તેમ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) કાશ્મીર ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ અશોક યાદવે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, PoKમાં LoC સાથેના વિસ્તારોમાં 69 લૉન્ચપેડ હાલ સક્રિય છે. બીજી તરફ લગભગ 120 આતંકી કાશ્મીર ઘાટીમાં ઘુસણખોરી માટે મોકાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ BSF, ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ દુશ્મનના દરેક પ્રયાસને LoC પર જ નિષ્ફળ બનાવવા માટે સંપૂર્ણ ક્ષસમ છે.
તેમણે કહ્યું કે શિયાળાની ઋતુ પહેલાં પાકિસ્તાની સેના અને ISI આતંકીઓને ભારતમાં ઘુસાડવા વધુ સક્રિય થાય છે. “અમારી ઇન્ટેલિજન્સ મજબૂત છે અને દરેક માહિતીની ચોકસાઈથી તપાસ કરવાની સાથે એક્શન લેવામાં આવી રહ્યા છે.”
IG અશોક યાદવે જણાવ્યું કે આ વર્ષે LoC પર ઘુસણખોરીના ચાર પ્રયાસો નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. તેમજ આઠ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. સુરક્ષાદળોના ઓપરેશનો દરમિયાન મોટી માત્રામાં એકે-47 રાઈફલ, MP-5 રાઈફલ, પિસ્તોલ, હેન્ડ ગ્રેનેડ, UBGL ગ્રેનેડ, ચાઈનીઝ ગ્રેનેડ, MGL અને વિવિધ કેલિબરના ગોળા-બારુદ સહિતની વસ્તુઓ જપ્ત કરવામાં આવ્યો છે.
IG યાદવે સ્વીકાર્યું કે નાર્કો-ટેરરિઝમ હાલનો સૌથી મોટો ખતરો છે. ડ્રગ્સ મારફતે * કાશ્મીરી યુવાઓને બરબાદ કરવામાં આવી રહ્યા છે આતંકી સંગઠનો અને અલગાવવાદીઓને નાણા પહોંચાડવામાં આવી રહ્યા છે આ નેટવર્કને સમૂલ નાશ કરવા BSF અને અન્ય એજન્સીઓ સતત ઓપરેશન કરી રહી છે.