મહારાષ્ટ્રના રાજુરામાં ટ્રક અને રિક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 6 વ્યક્તિના મોત
પૂણેઃ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના રાજુરા તાલુકામાં ટ્રક અને ઓટોરિક્ષા વચ્ચે ટક્કર થતાં છ લોકોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આ અકસ્માત રાજુરા વિસ્તારમાં થયો હતો, જ્યાં ઓટોરિક્ષામાં સવાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના રાજુરા તાલુકામાં ટ્રક અને ઓટોરિક્ષા વચ્ચે ટક્કરમાં ત્રણ મહિલાઓ સહિત છ લોકોના મોત થયા હતા. આ ઘટના રાજુરા-ગઢચંદુર રોડ પર કપનગાંવ નજીક સાંજે લગભગ 4 વાગ્યાની આસપાસ બની હતી, જેમાં બે લોકો ઘાયલ પણ થયા હતા, એમ તેમણે જણાવ્યું હતું.
આ અકસ્માત ત્યારે થયો જ્યારે ઓટોરિક્ષા રાજુરાથી પચગાંવ જઈ રહી હતી. રાજુરા પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જ્યારે ઓટોરિક્ષા કપનગાંવ નજીક પહોંચી ત્યારે વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી એક ટ્રક તેની સાથે ટકરાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે આખી ઓટોરિક્ષા સામેથી ચકનાચૂર થઈ ગઈ હતી. માહિતી મળતાં, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તમામ પીડિતોને હોસ્પિટલમાં ખસેડ્યા. તેમાંથી ત્રણના મોત થઈ ચૂક્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ત્રણ ઘાયલોને ચંદ્રપુર જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
મૃતકોની ઓળખ વર્ષા મંડલે (ઉ.વ. 41), તનુ પિંપળકર (ઉ.વ 18), તારાબાઈ પાપુલવાર (ઉ.વ 60), રવિન્દ્ર બોબડે (ઉ.વ 48), શંકર પિપારે (ઉ.વ 50) અને ઓટોરિક્ષા ચાલક પ્રકાશ મેશ્રામ (ઉ.વ 50) તરીકે થઈ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ટ્રક જપ્ત કરવામાં આવી છે, પરંતુ તેનો ચાલક ફરાર છે. તેની સામે કેસ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે.