વિજાપુરમાં માત્ર બે કલાકમાં પડ્યો 6.5 ઈંચ વરસાદ, નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
- ભારે વરસાદને લીધે ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો, ટીબી રોડ,
- હાઈસ્કૂલ સહિત વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા,
- સતલાસણા-દાંતા રોડ પર આંબાઘાટા નજીક ભેખડ ધસી પડી
મહેસાણાઃ ગુજરાતમાં વરસાદી માહોસ જામ્યો છે. જેમાં ઉત્તર ગુજરાતની ધરાને મેહુલિયે તરબોળ કરી દીધી છે. આજે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. બુધવારથી શરૂ થયેલા ભારે વરસાદથી મહેસાણા શહેરમાં પાણી ભરાયા હતા. જ્યારે વિજાપુરમાં બે કલાકમાં જ 6.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને લીધે ધરોઈ ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થયો છે.
મહેસાણાના વિજાપુરમાં આજે ગુરૂવારે બે કલાકમાં 6.5 ઈંચ વરસાદ નોંધાયો છે. વિજાપુરમાં ટીબી રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ભારે વરસાદના કારણે જિલ્લામાં પાણી-પાણી થઈ ગયું છે. વિજાપુરમાં આવેલી હાઇસ્કૂલમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આ સિવાય અંડરબ્રિજ તેમજ નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા તેને બંધ કરવામાં આવ્યો છે. આ સિવાય વિસનગર રોડ પણ પાણી ભરાઈ જવાના કારણે બંધ કરવો પડ્યો હતો. ભારે વરસાદના કારણે મહેસાણા શહેરમાં પણ રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા છે. જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે.
મહેસાણા જિલ્લામાં ભારે વરસાદને કારણે ધરોઈ ડેમની પાણીની આવકમાં વધારો થયો છે. ધરોઈ ડેમની સપાટી 610.29 ફૂટ સુધી પહોંચી ગઈ છે. ડેમમાં ભયજનક સ્તર 622 ફૂટ છે. સ્ત્રાવ ક્ષેત્રમાં ભારે વરસાદના કારણે ડેમમાં 59166 ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ પાણીનો કુલ જથ્થો 59.59 ટકા નોંધાયો છે. મહેસાણા જિલ્લાના સતલાસણા-દાંતા માર્ગ ઉપર આંબાઘાટા નજીક ભેખડ ધસી પડી હતી. મળતી માહિતી મુજબ, ભેખડ ધસી પડતા એક માર્ગીય રસ્તો બંધ કરવામાં આવ્યો છે. વરસાદને કારણે પથ્થર રોડ ઉપર ધસી આવ્યો હતો. જોકે આ ઘટના રાત્રે બની હોવાથી કોઈ જાનહાની નથી થઈ.