જુનાગઢના ઉપરકોટના કિલ્લામાં 59 ગેરકાયદે મકાનો તોડી પડાયા
- જુનાગઢ મ્યુનિ. કોર્પોરેશને હાથ ધર્યું મેગા ડિમોલિશન
- 50 કરોડની કિંમતની સરકારી જમીનો ખૂલ્લી કરાવાઈ
- ડિમોલિશનમાં 8 અસામાજિક તત્વોના મકાનો પણ તોડી પડાયા
જુનાગઢઃ મ્યુનિ.કોર્પોરેશન, જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પોલીસના સઘન બંદોબસ્ત સાથે શહેરના ઉપરકોટ વિસ્તારમાં મેગા ડિમોલેશન હાથ ધરીને 59 ગેરકાયદે મકાનો તોડી પડાયા હતા.શહેરના ઐતિહાસિક ગણાતા ઉપરકોટ કિલ્લા નજીક આવેલા ધારાગઢ દરવાજા વિસ્તારમાં આજે વહેલી સવારે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દળે સંયુક્ત રીતે ગેરકાયદેસર દબાણો સામે મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરી છે. 59 ગેરકાયદે બાંધકામો તોડી પડાયા એમાં 8 મકાનો અસામાજિક તત્વોના હતા.
જૂનાગઢ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પોલીસના સઘન બંદોબસ્ત સાથે 59 જેટલાં ગેરકાયદેસર મકાનો તોડી પાડી આશરે 16,000 ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. આ જમીનની બજાર કિંમત અંદાજે 50 કરોડ રૂપિયા જેટલી હોવાનું કહેવાય છે. મ્યુનિની ટીમ દ્વારા 10 JCB અને 10 ટ્રેક્ટરો સહિતનાં યાંત્રિક સાધનો સાથે આજે સવારથી મેગા ડિમોલિશનની કામગીરી આવી છે, બપોર સુધીમાં 59 ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવ્યા છે. અને હજુ 100થી વધુ ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવશે. ડિમોલિશનની આ કામગીરીમાં આઠ અસામાજિક તત્ત્વોનાં મકાનો પણ તોડી પાડવામાં આવ્યાં છે. પ્રથમ તબક્કાની ડિમોલિશનની કાર્યવાહીમાં 50 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે. 16 હજાર ચોરસ મીટરમાં ડિમોલિશનની કાર્યવાહી કરાઇ છે. આ કાર્યવાહીમાં 10 ટ્રેકટર અને 10 જેસીબીની મદદ લેવાઇ હતી.
પ્રાંત અધિકારી એસડીએમ ચરણસિંહ ગોહિલના કહેવા મુજબ દબાણકારો પાસે કોઇપણ પ્રકારના આધાર-પુરાવા ન હતા અને તેમને કલમ 61ની નોટીસ અને 202 અંતગર્ત કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન ડ્રોન દ્વારા સ્થળ નિરિક્ષણ પણ કરવામાં આવ્યું હતું.