For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

એક રાખી દેશ કે જવાનો કે નામ, ગુજરાતની 53000 આંગણવાડી બહેનોએ જવાનોને રાખડીઓ મોકલી

05:50 PM Aug 07, 2025 IST | Vinayak Barot
એક રાખી દેશ કે જવાનો કે નામ   ગુજરાતની 53000 આંગણવાડી બહેનોએ જવાનોને રાખડીઓ મોકલી
Advertisement
  • મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાખડી કળશ સરહદી દળોના જવાનો સુપ્રત કરાયો,
  • ઈન્ડિયા બૂક ઓફ રેકર્ડમાં ગુજરાતની સિદ્ધીની નોંધ લેવાઈ,
  • મુખ્યમંત્રી સમક્ષ પ્રમાણપત્ર-એવોર્ડ પ્રસ્તુત કરાયો

ગાંધીનગરઃ દેશની સરહદોની દિવસ રાત ખડે પગે સુરક્ષા કરતા સેનાના જવાનોની રક્ષા માટે રક્ષાબંધન અવસરે ગુજરાતની બહેનો દ્વારા રક્ષાના પ્રતિક રૂપે સાડા ત્રણ લાખ રાખડીઓ આ ફરજ પરસ્ત જવાનોને મોકલવામાં આવી છે.

Advertisement

રાજ્યની 53 હજાર જેટલી આંગણવાડીઓની બહેનોએ સરહદના સંત્રી એવા સેનાના જવાનોની રક્ષા માટે આ રાખડીઓ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતિકરૂપે તૈયાર કરી છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આ રક્ષાસૂત્ર કળશ સરહદી દળોના જવાનોને ગાંધીનગરમાં પ્રતિકરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો.

ગુજરાતની આ પહેલને ઈન્ડિયા બૂક ઓફ રેકર્ડમાં સ્થાન મળ્યુ છે તે અંગેનું સર્ટીફિકેટ અને મેડલ ઈન્ડિયા બૂક ઓફ રેકર્ડના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કર્યા હતા.  સરહદના જવાનો જે પોતાના પરિવારથી દૂર રહીને માતૃભૂમિની સુરક્ષા માટે સમર્પિત છે તેમની સદાય રક્ષાની ભાવના સાથે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરિયાની પ્રેરણા અને માર્ગદર્શનમાં આંગણવાડી બહેનોએ શ્રાવણ મહિનાની પૂર્ણિમા-રક્ષાબંધન પર્વ નિમિત્તે આ રાખડીઓ મોકલી છે.

Advertisement

મંત્રી ભાનુબેન બાબરીયાએ આ પ્રસંગે જણાવ્યુ કે, દેશની સીમાઓ સાચવતા અને ઘર પરીવારથી દૂર રહેતા સેનાના જવાનોની રક્ષા માટે બહેનોએ આ રક્ષાસુત્ર બનાવ્યું છે. તેમણે કહ્યુ કે, આપણી સેનાએ વડાપ્રધાનના નેતૃત્વમાં ઓપરેશન સિંદૂર સફળ બનાવીને દેશની બહેનોના સિંદૂરની રક્ષા કરી છે. ગુજરાતની બહેનોએ આવા વીર જવાનોની રક્ષાનું કવચ રાખડીઓ દ્વારા પ્રદાન કરીને ભાઈ-બહેનના પ્રેમના તહેવારને રાષ્ટ્રભક્તિ મય બનાવ્યો છે.

આ રક્ષાસુત્ર કળશનો આર્મી, બી.એસ.એફ., સી.આર.પી.એફ., અને એન.ડી.આર.એફ.ના ગાંધીનગર સ્થિત જવાનોએ સહર્ષ સ્વીકાર કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીના સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે, મહિલા અને બાળ વિકાસ સચિવ  રાકેશ શંકર, મહિલા બાળ વિકાસ કમિશનર  ડૉ. રણજીત કુમાર સિંહ, મહિલા બાળ કલ્યાણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, BSF, CRPF, NDRFના જવાનો, પ્રોગ્રામ ઓફિસર તથા ગાંધીનગર મહાનગરપાલિકાની આંગણવાડી કાર્યકર બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement