તિબેટમાં ગોઝારા ભૂકંપથી 53 લોકોના મોત, મૃત્યુઆંક વધવાની દહેશત
- ભૂકંપમાં અનેક સ્થળોએ થયું ભારે નુકશાન
- ભૂકંપમાં 63થી વધારે લોકો ઈજાગ્રસ્ત
- ભારતના ઘણા રાજ્યોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા
નવી દિલ્હીઃ તિબેટમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ પ્રચંડ ભૂકંપમાં 53 થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે 62 લોકો ઘાયલ થયા છે. ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) અનુસાર, સવારે 9:05 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 માપવામાં આવી હતી.
ચીનના સરકારી મીડિયા અનુસાર, તિબેટના શિજાંગ શહેરની ડીંગરી કાઉન્ટીમાં 6.8ની તીવ્રતાના ભૂકંપમાં 53 લોકોના મોત થયા છે. 62થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ભૂકંપનું કેન્દ્ર 28.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 87.45 ડિગ્રી પૂર્વ રેખાંશમાં 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. આ પહેલા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે મંગળવાર સવારથી તિબેટ ક્ષેત્રના શિજાંગમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા હતા. અહીં સવારે 6:30 વાગ્યે 10 કિમીની ઊંડાઈએ 7.1ની તીવ્રતા સાથે ભૂકંપ આવ્યો હતો. આ પછી 7:02 વાગ્યે 4.7ની તીવ્રતાનો, 07:07 વાગ્યે 4.9ની તીવ્રતાનો અને 7:13 વાગ્યે પાંચની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો. જેના કારણે લોકો ઘર છોડીને ખુલ્લી જગ્યાઓ તરફ જતા રહ્યા હતા.
ભારતના ઘણા રાજ્યોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બિહાર આનાથી સૌથી વધુ પ્રભાવિત થયું હતું. આ સિવાય આસામ, સિક્કિમ અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ દરમિયાન ભયભીત લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. યુએસજીએસ સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર લોબુચેથી 93 કિમી ઉત્તરપૂર્વમાં હતું.