ગુજરાતમાં છેલ્લા 8 વર્ષમાં 525 સરકારી શાળાઓને લાગ્યા ખંભાતી તાળાં
- સરકારે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાના બહાને સ્કૂલો બંધ કરી
- ખાનગી સ્કૂલોને અપાતા પ્રોત્સાહનનો લીધે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી
- સરકારી શાળાઓમાં શિક્ષકોની ખેંચને લીધે વાલીઓ બાળકોને ખાનગી શાળાઓમાં ભણાવવા મજબુર
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. રાજ્યના દરેક ગામડાંઓમાં સરકારી શાળાઓ આવેલી છે. પણ કહેવાય છે કે કેટલાક વર્ષોથી શિક્ષણ કથળી રહ્યું છે. અંતરિયાળ વિસ્તારોની ઘણીબધી સરકારી શાળાઓમાં પુરતા શિક્ષકો પણ નથી. બીજીબાજુ સરકારની ખાનગી શાળાઓને વધુ પ્રોત્સહન આપવાની નીતિરીતિને કારણે વાલીઓ પણ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ માટે આકર્ષાયા છે. એટલે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં છેલ્લાં આઠેક વર્ષમાં જ 525 સરકારી શાળાઓ બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત સરકાર વિદ્યાર્થીઓની સંખ્યા નહિંવત્ત હોવાના બહાને 5912 સરકારી શાળાઓને બંધ કરવાની ફિરાકમાં છે. જે રાજ્યમાં શિક્ષણની સ્થિતિ કથળી રહી હોવાનું ચિત્ર દર્શાવે છે.
ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. જેમાં ઘણાબધા કારણો છે. ગામડાંઓમાંથી ઘણાબધા પરિવારો રોજગારી માટે શહેરોમાં આવી રહ્યા છે. એટલે સ્થળાંતરને લીધે શાળાઓમાં ડ્રોપ આઉટ પણ વધતો જાય છે. જ્યારે કેટલાક ગામડાંઓની સરકારી શાળાઓમાં યોગ્ય સુવિધાઓ અને શિક્ષણના અભાવે લોકો ઉંચી ફી હોવા છતાં ખાનગી શાળાઓમાં પોતાના બાળકોને પ્રવેશ અપાવી રહ્યા છે. તેથી સરકારી શાળાઓ ખાલીખમ જોવા મળી રહી છે. શાળાઓમાં શિક્ષકો જ નથી. છેવાડાના સરહદી જિલ્લાથી માંડીને આદિવાસી-પછાત વિસ્તારોમાં શાળાઓમાં તો કોઈ શિક્ષકો જ નથી. ગુજરાતમાં 1600 શાળાઓમાં તમામ વર્ગના વિદ્યાર્થીઓને એક જ શિક્ષક અભ્યાસ કરાવે છે. આ પરિસ્થિતિનું નિર્માણ થયુ હોવા છતાં શિક્ષણ વિભાગ શિક્ષકોની ભરતી કરવા તૈયાર નથી. શિક્ષકોની સાથે સાથે શાળાઓમાં વર્ગખંડોની પણ ભારે અછત વર્તાઈ રહી છે. રાજ્યમાં 40 હજાર વર્ગખંડોની જરૂરિયાત છે. 1456 શાળાઓમાં એક જ વર્ગખંડ છે. વિદ્યાર્થીઓને ક્યાં બેસીને ભણાવવા એ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. આ જોતાં સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખાનગી શાળાઓને પ્રત્સાહન આપવામાં આવી રહ્યું છે.જેના કારણે દિન-પ્રતિદિન ખાનગી શાળાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. વર્ષ 2015-ગુજરાતમાં 12502 ખાનગી શાળાઓ હતી તે વર્ષ 23-24માં વધીને 13490 થઈ છે. સરકારી શાળાની સંખ્યા 35122 હતી તે ઘટીને 34597 થઈ છે. સરકારી શાળાઓ બંધ રહી છે જ્યારે ખાનગી શાળાઓનો રાફડો ફાટી નીકળ્યો છે. (File photo)