ભોપાલમાં ત્યજી દેવાયેલી કારમાંથી 52 કિલો સોનું અને 10 કરોડની રોકડ મળી
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આવકવેરા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આવકવેરા વિભાગે ત્યજી દેવાયેલી કારમાંથી 52 કિલો સોનું અને મોટી રકમની રોકડ જપ્ત કરી છે. કાર રતીબાદ વિસ્તારના મેંદોરીના જંગલમાંથી ત્યજી દેવાયેલી મળી આવી હતી. પોલીસ અને ઈન્કમટેક્સ એ જાણવાની કોશિશ કરી રહી છે કે કારમાં પૈસા અને સોનું કોણ છોડી ગયું. સોનાની કિંમત લગભગ 42 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે, જ્યારે 10 કરોડ રૂપિયાની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. હાલ આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
સોનાની કિંમત 42 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે
આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરાયેલા 52 કિલો સોનાની કિંમત લગભગ 45 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર જે કારમાંથી સોનું અને પૈસા મળી આવ્યા છે તે ચેતન ગૌર નામના વ્યક્તિની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચેતન ગૌર સૌરભ શર્માનો મિત્ર છે. તમને જણાવી દઈએ કે, લોકાયુક્તની ટીમે ગુરુવારે સૌરભ શર્માના ઘરે દરોડા પાડ્યા હતા.