દિલ્હીમાં મહિલાઓની સલામતી માટે 50 હજાર CCTV કૅમેરા લગાવાશેઃ મુખ્યમંત્રી
નવી દિલ્હીઃ દિલ્હીનાં મુખ્યમંત્રી અને નાણામંત્રી રેખા ગુપ્તાએ દિલ્હી વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26 માટેનું એક લાખ કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. દિલ્હીમાં નવી રચાયેલી ભાજપની સરકારનું આ પહેલું અંદાજપત્ર છે. અંદાજપત્ર રજૂ કરતાં સુશ્રી ગુપ્તાએ જાહેરાત કરી કે, અંદાજપત્રમાં 28 હજાર કરોડ રૂપિયાથી વધુના મૂડી ખર્ચની ફાળવણી કરવામાં આવી, જે ગત અંદાજપત્રથી લગભગ બમણું છે. સાથે જ રાષ્ટ્રીય રાજધાનીમાં 100 સ્થળ પર અટલ કૅન્ટિન બનાવાશે તેમ સુશ્રી ગુપ્તાએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએએ પણ જાહેરાત કરી કે, મહિલાઓની સલામતી માટે રાજધાનીમાં 50 હજાર સીસીટીવી કૅમેરા લગાવાશે. તેમણે કહ્યું,વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે ત્રણ હજાર 200 કરોડ રૂપિયાની નાણાકીય સહાય પૂરી પડાશે. દિલ્હી વિધાનસભાનું અંદાજપત્ર સત્ર 28 માર્ચ સુધી ચાલશે. રેખા ગુપ્તાએ તેને “ઐતિહાસિક બજેટ” ગણાવતા જણાવ્યું હતું કે “ભ્રષ્ટાચાર અને બિનકાર્યક્ષમતા”નો યુગ હવે સમાપ્ત થઈ ગયો છે કારણ કે સરકારે મૂડી ખર્ચ બમણો કરીને રૂ. 28,000 કરોડ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ વધેલો ખર્ચ રસ્તા, ગટર વ્યવસ્થા અને પાણી પુરવઠા સહિત માળખાગત વિકાસ પર ખર્ચવામાં આવશે.
બજેટમાં વીજળી, રસ્તા, પાણી અને કનેક્ટિવિટી સહિત 10 મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. દિલ્હી સરકારે દિલ્હી-રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) માં વધુ સારી પરિવહન કનેક્ટિવિટી માટે રૂ. 1,000 કરોડ ફાળવવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. કલ્યાણકારી પગલાં હેઠળ પાત્ર મહિલાઓને દર મહિને રૂ. 2500 આપવા માટે રૂ. 5100 કરોડની રકમ અલગ રાખવામાં આવી છે.