ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના બિન શૈક્ષણિક કર્મીઓના પગારમાં 50 ટકા વધારો
- કચ્છ યુનિની સ્થાપના 2004માં થઈ ત્યારથી કર્મચારીઓ ફિક્સ પગારમાં કામ કરી રહ્યા છે,
- કર્મચારીઓને 50 ટકા પગાર વધારાનો લાભ 1લી જાન્યુઆરીથી મળશે,
- કર્મચારીઓને 43 લાખ એરિયર્સ ચુકવવામાં આવશે
ભૂજઃ ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિ. દ્વારા બિન શૈક્ષણિક કર્મચારીઓ માટે 50 ટકા માતબર પગાર વધારો કરાયો છે. વર્ષ 2004 થી યુનિ.ની સ્થાપના થઈ ત્યારથી યુનિ.માં નોન ટિચિંગ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે આ કર્મચારીઓ ફિક્સ પગારમાં ફરજ બજાવે છે તેમના પગારના પ્રશ્નો વર્ષોથી વણઉકેલ્યા હતા જેથી યુનિવર્સિટી દ્વારા 50% પગાર વધારો કરાતા કર્મચારીઓમાં ઙર્ષની લાગણી વ્યાપી ગઈ છે.
ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં વર્ષોથી ફિક્સ પગારમાં નોકરી કરી રહેલા કર્મચારીઓને પગારમાં 50 ટકા વધારો કરાતા બિન શૈક્ષણિક કર્મચારી સંઘ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને આ પગાર વધારામાં જેમણે પણ સહયોગ આપ્યો એ સૌના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. પ્રારંભે યુનિ.ના મેનેજર એડમિનિસ્ટ્રેશન ડૉ. રામ સોંદરવાએ રૂપરેખા આપી હતી. બિન શૈક્ષણિક કર્મચારી સંઘના અધ્યક્ષા કૃપાલીબેન મહેચ્છાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના પ્રશ્નોથી પોતે વાકેફ છે. બીન શૈક્ષણિક કર્મચારીઓના પગાર વધારા માટેની માગણી સંતોષાઇ છે હજુ કાયમીમાં સમાવવા ખૂટતી કડીઓ બાબતે સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપી હતી. કુલપતિ ડૉ. મોહન પટેલે સૌ સાથે મળીને યુનિવર્સિટીને વધુ આગળ લઈ જઈ શકાય એ દિશામાં પ્રયત્ન કરવા અને ટૂંક સમયમાં યુનિ.માં શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવા માટે કામ ચાલુ હોવાનો ઉલ્લેખ કરી સર્વ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. બીન કર્મચારીઓની વાજબી માગણી માટે સહકાર આપનારા સાંસદ ઉપરાંત દેવજીભાઈ વરચંદ, હિંમતસિંહ વસણ, રવજીભાઈ ખેતાણી, મનોજભાઈ સોલંકી, કિરણભાઈ આહીર, રામભાઈ ગઢવી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી રાજેન્દ્રસિંહ જાડેજા અને અક્ષય ઠક્કરના પ્રયાસોને બિરદાવ્યા હતા. બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો મનોજભાઈ સોલંકી, કિરણભાઈ આહીર, રામભાઈ ગઢવી અને સી.એ.અનીમેશ મોદીની એક સમિતિ પગાર વધારા માટે બનાવાઇ હતી.