ગાંધીનગરમાં કાર લઈને જોખમી સ્ટંટ કરતા 5 યુવાનો, પોલીસે 3ની ધરપકડ કરી
- ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન રોડ પર પાંચ યુવકોએ જોખમી સ્ટંટ કર્યા હતા
- સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં પોલીસે કાર્યવાહી કરી
- હજુ બે આરોપી યુવાનો ફરાર
ગાંધીનગરઃ આજકાલ સોશિયલ મિડિયાના જમાનામાં રિલ મુકવા માટે યુવાનો સ્ટેટબાજી કરતા હોય છે. અને એનો વિડિયો સોશિયલ મિડિયામાં અપલોડ કરતા હોય છે. ત્યારે ધુળેટીના દિવસે કેટલાક યુવકોએ કરેલી સ્ટંટબાજી ભારે પડી છે. ગાંધીનગર શહેરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન રોડ પર લાલ રંગની કાર લઈને પાંચ યુવકોએ જોખમી સ્ટંટ કર્યા હતા. આ સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ શહેરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન રોડ પર લાલ રંગની કાર લઈને પાંચ યુવકોએ જોખમી સ્ટંટ કર્યા હતા. આ સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો હતો, જેમાં પોલીસે ત્રણ શખસોને પકડી લીધા છે. કાર ઇકબાલમીયાં શેખની માલિકીની હતી. તેમણે કાર તેમના મિત્ર ચંદન ઠાકોરને આપી હતી. સ્ટંટ દરમિયાન હંસરાજ ઠાકોર કાર ચલાવી રહ્યો હતો. ચંદન ઠાકોર અને દેવાંગ બથવાર કારની છત પર બેઠા હતા. દર્શનસિંહ રાઠોડ અને જયેશ ઠાકોર કારના દરવાજામાંથી બહાર નીકળેલા હતા. પોલીસે આ પાંચ પૈકી ત્રણ યુવકોની ધરપકડ કરી છે. આ યુવકોએ પોતાની અને અન્ય લોકોની જિંદગી જોખમમાં મૂકી હતી. પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બાકીના બે આરોપીઓની શોધખોળ ચાલુ છે.
આ યુવકોએ પોલીસને જણાવ્યું કે તેઓ ધુળેટીના દિવસે સાથે મળીને આ સ્ટંટ કર્યા હતા. પોલીસે જણાવ્યું કે આવી સ્ટંટબાજી કરવી એ ગુનો છે અને તેના માટે કડક કાર્યવાહી કરવામાં આવશે.