નવસારીના બિલીમોરામાં 50 ઊંચી રાઈડ તૂટી પડતા 5 લોકો ઘવાયા, એક ગંભીર
- બીલીમોરામાં સોમનાથ મંદિરના પ્રાગણમાં લોકમેળાનું આયોજન કરાયુ,
- ગત રાતે 50 ફુટ ઊંચી રાઈડ ધડાકા સાથે તૂટી હતી,
- પોલીસે ગુનો નોંધીને રાઈડ સંચાલક સામે તપાસ હાથ ધરી
નવસારીઃ જિલ્લાના બીલીમોરામાં સોમનાથ મહાદેવ મંદિર દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટોરા ટોરા રાઈડ 50 ફુટ ઊંચેથી તૂટી પડતા 5 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં રાઈડ ઓપરેટરની હાલત ગંભીર હોવાથી સુરતની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. આ બનાવની જાણ થતાં પોલીસ તેમજ પ્રાંત અધિકારી દોડી ગયા હતા. પોલીસે રાઈડ સંચાલક સામે ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
નવસારીના બીલીમોરાના સોમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં ભરાયેલા મેળામાં શ્રાવણના અંતિમ સોમવારની પૂર્વરાત્રિએ 50 ફૂટ ઊંચા ટાવર રાઈડ અચાનક તૂટી પડતાં રાઈડમાં સવાર અંદાજે 10માંથી 5 લોકો ઘવાયા હતા, જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. રાઈડ ઓપરેટરની ગંભીર હાલત હોવાથી એને સુરતની ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયો છે. આ બનાવમાં ડીવાયએસપી કક્ષાના અધિકારીની આગેવાનીમાં મેળાના ઇજારદાર દ્વારા લેવામાં આવેલી પરવાનગીની તપાસ કરવામાં આવી રહી છે. ત્યાં સુધી મેળામાં રાઇડ બંધ રહેશે. પ્રાંત અધિકારી મિતેશ પટેલે સ્થળની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે FSL રિપોર્ટના આધારે કાર્યવાહી કરાશે.
આ અકસ્માતમાં રાઈડમાં અંદાજે 10થી વધુ લોકો મજા માણી રહ્યા હતા, તેઓ ધડામ કરીને નીચે પટકાતાં તમામને નાની-મોટી ઇજા થઈ હતી. એમાં બે મહિલા, બે બાળકો અને રાઈડ ઓપરેટર ગંભીર રીતે ઘવાતાં તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં કમરમાં વધુ માર વાગતાં જશ રાજીવ ટંડેલ (ઉં.વ. 14), દીર્ઘ હેમંત ટંડેલ (ઉં.વ. 14), રોશની વિકાસ પટેલ (ઉં.વ. 30) અને દિશા રાકેશ પટેલ (ઉં.વ. 21)ને બીલીમોરાની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. જ્યારે રાઈડ ઓપરેટર બકીલને કમર તેમજ માથામાં પણ ઇજા હોવાથી સુરતની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ બીલીમોરા ફાયરના જવાનો અને બીલીમોરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડ દ્વારા ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે પ્રાંત અધિકારી મિતેશ પટેલે જણાવ્યું હતું કે ડિસ્ટ્રિક્ટ રાઇડ સેફ્ટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટીની 8 સભ્યની ટીમ અકસ્માતની તપાસ કરશે. તપાસ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.
ચીખલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષકની હાજરીમાં FSL ટીમે તપાસ કરી હતી. FSLની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટાવર રાઈડનો કેબલ તૂટી પડવાથી દુર્ઘટના સર્જાઈ હતી. 50 ફૂટ ઊંચા ટાવર પર લગાવેલી હાઇડ્રોલિક પુલી કેબલ તૂટવાથી અડધે આવીને અટકી ગઈ હતી. કેબલમાં યોગ્ય પ્રમાણમાં ગ્રીસિંગ ન થયું હોવાની શક્યતા છે.