For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં PMJAY-મા યોજના અંતર્ગત ગેરરીતિ બદલ વધુ 5 હોસ્પિટલ સસ્પેન્ડ

05:39 PM Dec 09, 2024 IST | revoi editor
ગુજરાતમાં pmjay મા યોજના અંતર્ગત ગેરરીતિ બદલ વધુ 5 હોસ્પિટલ સસ્પેન્ડ
Advertisement
  • 5 ખાનગી હોસ્પિટલ અને બે ડૉક્ટરને સસ્પેન્ડ કરાયા,
  • પાટણ-2, દાહોદ-1, અમદાવાદ અને અરવલ્લીની એક હોસ્પિટલનો સમાવેશ,
  • કૂલ 12 હોસ્પિટલો સામે પગલાં લેવાયા

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી રાજ્યની કોઇપણ હોસ્પિટલ કે ડૉક્ટરની કામગીરીને સાંખી નહી લેવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે. તાજેતરમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી ઘટનાઓ સામે આવી છે જેના પગલે રાજ્યના આરોગ્ય વિભાગે આ હોસ્પિટલ્સ અને ડૉક્ટર્સ સામે કડકમાં કડક કાર્યવાહી આરંભી છે.

Advertisement

પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના અંતર્ગતની SAFU(સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ) એ તજજ્ઞ તબીબોની ટીમ સાથે રાખીને રાજ્યમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી શંકાસ્પદ હોસ્પિટલ્સની મુલાકાત કરી હતી.જેના અંતર્ગત ગત અઠવાડિયામાં તા. 2 ડિસેમ્બરથી 8  ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં 5  હોસ્પિટલ અને 2 ડૉક્ટરની ગેરરીતિઓ સામે આવી છે. જેમાં પાટણ જિલ્લાની હિર ચિલ્ડ્રન હોસ્પિટલ , નિષ્કા ચિલ્ડ્ર્ન હોસ્પિટલ અને નિયોનેટલ કેર, દાહોદ જિલ્લાની સોનલ હોસ્પિટલ, અમદાવાદ જિલ્લાની સેન્ટારા ઓર્થોપેડિક હોસ્પિટલ અને અરવલ્લી જિલ્લાની  જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલમાં વિવિધ ત્રુટીઓ અને ગેરરીતિ જણાઇ આવતા  PMJAY-મા યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે.

આ ઉપરાંત પાટણની હિર હોસ્પિટલમાં મુલાકાત દરમિયાન પ્રી-ઓથ દરમિયાન કુલ 91 જેટલા લેબ રિપોર્ટમાં છેડછાડ અને નિઓનેટલ કેરમાં હાયર પેકેજ સિલેક્ટ કર્યા હોવાનું માલુમ પડ્યું . જેથી હિર હોસ્પિટલ અને તેમાં ફરજરત ડૉ. હિરેન પટેલને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હેલ્થ સ્પ્રિંગ 24 પેથોલોજી લેબોરેટરી પાટણને પણ આ યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાયા છે. વધુમાં હોસ્પિટલમાં રૂ. 50,27,700ની રીકવરી અને પેનલ્ટી પણ કરાઇ છે.

Advertisement

પાટણની નિષ્કા ચિલ્ડ્રન હોસ્પિટલ અને નીયોનેટલ કેર સેન્ટરમાં પ્રિ-ઓથ દરમિયાન કુલ 60 જેટલા રિપોર્ટમાં છેડછાડ અને હોસ્પિટલ દ્વારા જે લેબોરેટરીનું ટાઇઅપ કરેલ છે તેમની પાસે દર્દીના લેબ રીપોર્ટ માંગવામાં આવતા રીપોર્ટ ઉપલબ્ધ ન હોવાનું જણાઇ આવ્યું. જેથી હોસ્પિટલ તેમજ હોસ્પિટલમાં ફરજરત ડૉ. દિવ્યેશ શાહને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વધુમાં શિવ ડાયગ્નોસ્ટિક લેબોરેટરી, પાટણને પણ આ યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાઇ છે. હોસ્પિટલને કુલ રૂ. 15,16,350ની રીકવરી અને પેનલ્ટી પણ કરવામાં આવી છે.

દાહોદની સોનલ હોસ્પિટલમાં યોજનાની માર્ગદર્શિકા મુજબ મેન પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાનું અને ઇન્ફેક્શન કંટ્રોલને લગતી કામગીરીમાં પણ ઉણપ હોવાનું જણાતા આ હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરાઇ છે. અમદાવાદની સેન્ટારા ઓર્થોપેડિક હોસ્પિટલમાં ચોથા અને પાંચમાં માળનું બી.યુ. પરમિશન ન હોવાનું, માર્ગદર્શિકા મુજબ સ્ટાફ અને મોડ્યુલર ઓટીનો અભાવ તેમજ કેટલીક એક્ક્ષાપયરી વાળી દવાનો જથ્થો જણાઇ આવતા હોસ્પિટલને બી.યુ. પરમીશન ન મળે તેમજ ઉક્ત ક્ષતિઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરાઇ છે.

અરવલ્લીની શ્રી જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સર્ટીફિકેટ એક્સપાયર્ડ, તેમજ એન.આઇ.સી.યુ.માં માર્ગદર્શિકા મુજબ વ્યવસ્થા જણાઇ ન આવતા આ હોસ્પિટલને પણ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન મળે તેમજ જણાઇ આવેલ ક્ષતિઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવી છે.

વધુમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના અંતર્ગતની SAFU ટીમ દ્વારા રાજ્યની અન્ય હોસ્પિટલની પણ મુલાકાત કરવામાં આવી છે. આ મુલાકાત દરમિયાનની હોસ્પિટ્લસની રેકોર્ડ ચકાસણી થઇ રહી છે . આ રેકોર્ડમાં યોજનાની માર્ગદર્શિકાનું ક્યાંય પણ ઉલ્લંધન થતું હશે તો આ હોસ્પિટ્લ્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. તાજેતરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના અંતર્ગત ગેરરીતિની ઘટનાઓ સામે આવી છે જેના પગલે રાજ્ય સરકારે યોજના અંતર્ગતની કાર્ડિયો, રેડિયો, કિમો, નીઓનેટલ કેર સહિતની સારવાર માટેની નવી માર્ગદર્શિકા(SOP) બનાવી છે જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે, જાન્યુઆરી –2024થી અત્યારસુધીમાં PMJAY-મા યોજના અંતર્ગત ગેરરિતી બદલ કુલ 12 હોસ્પિટલને સસ્પેન્ડ, ડિએમ્પેન્લ્ડ કરવામાં આવી છે. રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને આ યોજના અંતર્ગત નિ:શુલ્ક સારવાર મળે એ જ રાજ્ય સરકારનો યોજનાના પ્રારંભથી સંકલ્પ રહ્યો છે. આ યોજનાની આડમાં ગેરરીતિ આચરતી હોસ્પિટ્લસ અને ડૉક્ટરની અમાનવીય પ્રવૃતિને કોઇપણ ભોગે સાંખી નહીં લેવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે.

Advertisement
Tags :
Advertisement