For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં અકસ્માતના જુદા જુદા બનાવોમાં 5ના મોત, રોડ સાઈડ પર મજુરોને કારે અડફેટે લીધા

04:56 PM Nov 17, 2025 IST | Vinayak Barot
અમદાવાદમાં અકસ્માતના જુદા જુદા બનાવોમાં 5ના મોત  રોડ સાઈડ પર મજુરોને કારે અડફેટે લીધા
Advertisement
  • દાણીલીમડામાં કાર રિવર્સમાં લેતા દંપતીને અડફેટે લેતા પતિનું મોત,
  • પત્નીને ઈજા, નારોલમાં લોડિંગ ટેમ્પોચાલકે રાહદારી વૃદ્ધને અડફેટે લેતા મોત,
  • હીરાવાડી પાસે બે ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત થતાં યુવકનું મોત

અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. છેલ્લા 48 કલાકમાં શહેરના પૂર્વ વિસ્તારમાં અકસ્માતના પાંચ બનાવોમાં 5 વ્યક્તિના મોત અને પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પ્રથમ અકસ્માતમાં સિંગરવા ભુવાલડી ગામ પાસે રસ્તાની સાઇડમાં કામ કરતા મજૂરોને કારચાલકે અડફેટે લેતા એક મજૂરનું મોત નિપજ્યું અને ત્રણ ઇજાગ્રસ્ત થયા છે. તેમજ શહેરના દાણીલીમડામાં કાર રિવર્સ લેતા એક્ટિવા પર જતા દંપતીને ટાયર લટકાવવાના બોલ્ટ ઘૂસી જતા પતિનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ અને પત્ની ઇજાગ્રસ્ત થઇ હતી. જ્યારે નારોલમાં લોડિંગ ટેમ્પોચાલકે ચાલતા જતા વૃદ્ધને અડફેટે લેતા મોત થયું હતુ. તેમજ હીરાવાડી પાસે બે ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત થતાં યુવકનું મોત અને એક યુવક ઇજાગ્રસ્ત થયો હતો. તમામ બનાવોમાં પોલીસે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.

Advertisement

પ્રથમ અકસ્માતની વિગત એવી છે કે, દાહોદમાં રહેતા 30 વર્ષીય વસંતાબેન બારીયા છૂટક મજૂરી કામ કરતા હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી સિંગરવા ભુવાલડી પાસે બાંધકામની સાઇટમાં મજૂરી કામ કરતા હતા.. તે સમયે પુરઝડપે આવેલી  વર્ના કારચાલકે તમામ મજૂરોને અડફેટે લીધા હતાં. બાદમાં કાર રેતીના ઢગલામાં ઉભી રહી ગઇ હતી. અકસ્માત બાદ કારચાલક કાર મૂકીને નાસી ગયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત ચારેય મજૂરોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન વસંતાબેનનું મોત નિપજ્યું હતું. આ અંગે આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.

અકસ્માતના બીજા બનાવની વિગત એવી છે કે, શહેરના બહેરામપુરામાં રહેતા 40 વર્ષીય હરેશભાઇ પરમાર રંગાટીનું કામ કરતા હતાં. ગત 13 નવેમ્બરે તેઓ એક્ટિવા લઇને પત્ની ગીતાબેનને નહેરૂનગર ખાતે નોકરી પર મૂકવા જતા હતાં. ત્યારે દાણીલીમડા ખોડીયારનગર પાસે આવેલી ચેપિરોગની હોસ્પિટલ પાસેથી પસાર થતા હતાં. ત્યારે એક કારચાલક કાર રિવર્સ લેતાં તે કારના પાછળના દરવાજામાં ટાયર લટકાવવાના બોલ્ટ હરેશભાઇને છાતીના ભાગે વાગતા દંપતી એક્ટિવા પરથી રોડ પર પટકાયું હતું. જેથી કારચાલક દંપતીને દવાખાને લઇને ગયો હતો. જે બાદ કારચાલક ત્યાંથી નાસી ગયો હતો. જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત હરેશભાઇનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ

Advertisement

અકસ્માતના ત્રીજા બનાવમાં શહેરના નારોલમાં રહેતા 60 વર્ષીય માધવ તાયડે ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. ગત 15 નવેમ્બરે માધવભાઇ નોકરીથી ઘરે આવીને શાકભાજી લેવા બહાર ગયા હતા. જે બાદ તેઓ ઘરે પરત આવતા હતા ત્યારે ગુજકોમાસોલ ચાર માળિયા પાસેથી ચાલતા પસાર થતા હતા તે સમયે પુરઝડપે આવી રહેલ લોડિંગ ટેમ્પોચાલકે માધવભાઇને અડફેટે લેતા તેમને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું

અકસ્માતના ચોથા બનાવમાં શહેરના ગોમતીપુરમાં રહેતા 58 વર્ષીય દિનેશભાઇ શાહ છૂટક મજૂરી કરે છે. ગત 5 નવેમ્બરે પંપના કારખાને મજૂરીએ ગયા હતાં. ત્યાં કારખાનાનો સબ-મર્શિબલ પંપ ખોલવાનો હોવાથી તેઓ કારીગર શૈલેષભાઇ પટેલ સાથે ટુ-વ્હીલર પર પક્કડ લેવા હીરાવાડી પાસે આવેલી દુકાને ગયા હતાં. ત્યાંથી બંને પરત આવતા હતા તે સમયે શૈલેષભાઇએ ટુ-વ્હીલર રોંગસાઇડમાં પુરઝડપે ચલાવતા હતાં. સમીર શીતવન સોસાયટી પાસે પહોચ્યા તે સમયે હીરાવાડી તરફથી આવી રહેલા ટુ-વ્હીલર સાથે શૈલેષભાઇએ બાઈક અથડાવ્યું હતું. જેથી શૈલેષભાઇ અને દિનેશભાઇ રોડ પર પટકાયા ઇજાઓ પહોચી હતી. તેમજ શૈલેષભાઇનું માથુ ડિવાઇડર સાથે અથડાતા ગંભીર ઇજાઓ થતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ.

અકસ્માતના પાંચમા બનાવમાં ખેડામાં રહેતા વિક્રમસિંહ ડાભી ખેતીકામ કરતા હતા. ગત 14 નવેમ્બરે બાઇક લઇને તે બાઇક લઇને અમદાવાદ આવતા હતાં. ત્યારે ઇન્દોર-અમદાવાદ હાઇવે પર કુંજાડ ગામ પાસે ભાવડા પાટીયા નજીક પહોચ્યા તે સમયે પુરઝડપે આવેલી બોલેરો પીકઅપવાને બાઇકને ટક્કર મારતા વિક્રમસિંહને ગંભીર ઇજાઓ પહોચી હતી. અકસ્માત બાદ બોલેરો પીકઅપવાન ચાલક ફરાર થઇ ગયો હતો. બીજી તરફ ઇજાગ્રસ્ત વિક્રમસિંહને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યુ હતુ.

Advertisement
Tags :
Advertisement