વડોદરા શહેર અને જિલ્લામાં એક જ દિવસમાં અકસ્માતોના 5 બનાવોમાં 5ના મોત
- વાઘોડિયા, વડુ, સાવલી, વરણામા અને ડભોઇમાં બન્યા અકસ્માતના બનાવો,
- નેશનલ હાઈવે 48 પર પોર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જવાના માર્ગે હીટ એન્ડ રન,
- આજવા વડોદરા રોડ પર કારની અડફેટે યુવાનું મોત
વડોદરાઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેર અને જિલ્લામાં એક જ દિવસમાં રોડ અકસ્માતના 5 બનાવોમાં 5ના મોત નિપજ્યા છે. વડોદરાના વાઘોડિયા, વડુ, સાવલી, વરણામા અને ડભોઇ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અકસ્માતોના બનાવો બન્યા છે. જેમાં વરણામા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવે 48 પર પોર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જવાના માર્ગે અજાણ્યા વાહન ચાલકે રોડ ક્રોસ કરતા રાહદારીને ટક્કર મારતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે આજવા વડોદરા રોડ પર કારની અડફેટે 20 વર્ષીય યુવાનું મોત નિપજ્યું હતુ. ત્રીજા બનાવમાં સાવલીના સમલાયા વેમાર જવાના માર્ગે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતું. અકસ્માતના ચોથા બનાવમાં ડભોઇના કુંઢેલા ગામની સીમમાં દરબાર રેસીડેન્સી પાસે એક ફોર વ્હીલર ચાલકે બેદરકારી પૂર્વક વડોદરાથી ડભોઇ તરફ જતા ટુ વ્હીલર વાહનને ટક્કર મારતા એકનું મોત નિપજ્યું હતું. તેમજ અકસ્માતના પાંચમાં બનાવમાં વડુ પોલીસ મથક વિસ્તારમાં આવેલા પાદરા જંબુસર રોડ પર અજાણ્યા ટ્રક ચાલકે રાહદારીને ટક્કર મારતા તેનું મોત નિપજ્યું હતુ.
પ્રથમ અકસ્માતનો બનાવ વડોદરાના વરણામા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા અકસ્માતમાં ગઈકાલે બપોરે પોર ગામ સુરત તરફથી વડોદરા જતા નેશનલ હાઈવે 48 પર પોર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જવાના માર્ગે અજાણ્યા વાહન ચાલકે રોડ ક્રોસ કરતા મોહનસિંહ ઉત્તમસિંહ ચૌહાણ ઉંમર (વર્ષ 56 રહેવાસી 121 વોર્ડ નંબર 10 નાયકા દફાઈ નોરોજાબાદ તાલુકો કુદરી જિલ્લો ઉમરીયા મધ્યપ્રદેશ )ને ટક્કર મારી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં ઘટનાસ્થળે જ આ વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે ફરાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.
બીજા બનાવમાં વાઘોડિયા ચંપાલિયાપૂરા ગામની સીમમાં આજવા વડોદરા રોડ પર ફોર વ્હીલર ચાલક દ્વારા બેદરકારી પૂર્વક કાર ચલાવી વાઘોડિયાના 20 વર્ષીય યુવક વિક્રમભાઈ જાગાભાઈ ભરવાડને ટક્કર મારી કાર સ્થળ પર મૂકી ફરાર થઈ જતા પોલીસે શોધખોળ હાથ ધરી છે. આ અકસ્માતમાં વિક્રમનું કરુણ મોત નીપજ્યું છે. જ્યારે ત્રીજા બનાવમાં સાવલીના સમલાયા વેમાર જવાના માર્ગે અજાણ્યા વાહન ચાલકે ધીરુભાઈ મનસુખભાઈ રાઠોડીયા (ઉંમર વર્ષ 59, રહે કમલાપુરા નવી નગરી, વાઘોડિયા) ચાલતા જતા હતા તે દરિમયાન ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં ધીરૂભાઇને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે સાવલી પોલીસે અકસ્માત સર્જનાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
અકસ્માતના ચોથા બનાવમાં ડભોઇના કુંઢેલા ગામની સીમમાં દરબાર રેસીડેન્સી પાસે એક ફોર વ્હીલર ચાલકે બેદરકારી પૂર્વક વડોદરાથી ડભોઇ તરફ જતા ટુ વ્હીલર વાહનને ટક્કર મારી રફુચક્કર થઈ ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં સલીમભાઈ કરીમભાઈ મન્સૂરીનું મોત નીપજ્યું હતું. તેમજ અકસ્માતના પાંચમાં બનાવમાં વડુ પોલીસ મથક વિસ્તારમાં આવેલા પાદરા જંબુસર રોડ પર અજાણ્યા ટ્રક ચાલકે ભગવાન ઉર્ફે ભગો હરમાનભાઈ પઢીયાર (ઉંમર વર્ષ 48 રહે ગામેઠા પીપળાવાળું ફળિયુ પાદરા જીલ્લો વડોદરા) રોડ ક્રોસ કરતા હતા તે દરમિયાન ટ્રક ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાઓને લઈ કરૂણ મોત નિપજ્યું હતું.