સાપુતારાના ઘાટમાં ખાનગી બસ 35 ફુટ ઊંડી ખીણમાં પડતા 5નાં મોત, 45 પ્રવાસીઓને ઈજા
- વહેલી સવારે 4 વાગ્યે સર્જાયો અકસ્માત
- ગંભીર ઈજાગ્રસ્તોને આહવા અને સુરતની હોસ્પિટલમાં ખસેડાયા
- એડી, કલેક્ટર સહિત પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા
આહવાઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં આજે વહેલી પરોઢે વધુ એક અકસ્માતનો બનાવ સાપુતારા હીલ વિસ્તારમાં બન્યો હતો, ડાંગ જિલ્લાના સાપુતારા હીલ વિસ્તારમાં આજે વહેલી સવારે 4 વાગે નાસિક તરફથી આવતી લકઝરી બસના ચાલકે સ્ટીયરિંગ પરને કાબુ ગુમાવતા બસ 35 ફુટ ઊંડી ખીણમાં પડી હતી. જેમાં 5 લોકોના મોત થયા હતા. જ્યારે 45 લોકોને ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં 108 સહિત એમ્બ્યુલન્સનો કાફલો તેમજ પોલીસના અધિકારીઓ કાફલા સાથે દોડી ગયા હતા. અને બચાવ અને રાહત કાર્ય શરૂ કર્યું હતું.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, સાપુતારાથી અઢી કિલોમીટર તરફ જતાં રસ્તામાં માલેગામ ફોરેસ્ટ ગેસ્ટ હાઉસની સામેના ઘાટમાં નાશિક તરફથી આવતી ખાનગી બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ બસમાં 50 લોકો સવાર હતા. જેમાં 5ના મોત નિપજ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત 45 મુસાફરને શામગહાન સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી ગંભીર રીતે ઇજા પામનાર લોકોને આહવા તેમજ સુરત રીફર કરવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ અધિકારી તેમજ એડિશનલ કલેક્ટરે ઘટનાસ્થળે પહોંચી બચાવ અને રાહતકાર્ય હાથ ધર્યું હતુ.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ચારધામની યાત્રા કરીને પરત ફરી રહેલી ખાનગી બસ નંબર UP 92 AT 0364 નાસિકથી સાપુતારા તરફ આવતી હતી ત્યારે સાપુતારાની ઘાટીમાં બસના ચાલકને નિંદર આવી જતાં કે અન્ય કોઈ કારણથી ચાલકે બસના સ્ટિંયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ રોડની બેરિકેડ તોડીને 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ગંભીર અકસ્માતમાં બે મહિલા અને ત્રણ પુરુષ પ્રવાસીના મૃત્યુ નીપજ્યાં હતા. બસમાં 50 લોકો સવાર હતા. આ તમામ મધ્યપ્રદેશ જિલ્લાના ગુના, શીવપુરી અને અશોકનગરના રહેવાસી છે. મૃતકોમાં રતનલાલ દેવીરામ જાટવ (ડ્રાઈવર) (ઉં.41, રહે. વશલ્લા, મધ્યપ્રદેશ), ભોલારામ ફોસારામ કુશવાહ (ઉં.55, રહે.રામગઢ), બિજેન્દ્રસિંહ બાદલસિંહ યાદવ (પપ્પુ) (ઉં.55, રહે. બીજરૌની), ગુડ્ડીબેન રાજેશસિંહ યાદવ (ઉં.60, રહે.રામગઢ), અને કમલેશબાઈ બિરપાલસિંહ યાદવ (ઉં.60, રહે.રામગઢ)નો સમાવેશ થાય છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બસ સીધી 35 ફૂટ ઊંડી ખીણમાં જઈને પડી હતી, જેથી બસ પડીકું વળી ગઇ હતી. આ દુર્ઘટનામાં અન્ય અનેક મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. સ્થાનિક પોલીસ અને તાત્કાલિક સેવાઓની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. પોલીસ અને આસપાસના લોકોની મદદથી ઇજા પામનાર તમામ મુસાફરોને પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢવાની કામગીરી પૂર્ણ થઈ છે. આમ છતાં તકેદારીના ભાગરૂપે ખીણમાં શોધખોળ ચાલુ છે. જિલ્લા વહીવટી તંત્ર તરફથી પણ કલેક્ટરે જિલ્લાના તમામ ડોક્ટર્સ તેમજ મેડિકલ સ્ટાફને શામગહાન CHC ખાતે મુસાફરોની સારવાર માટે હાજર રહેવા સૂચના આપી છે. પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.