આગ્રામાં ગમખ્વાર માર્ગ 5ના મોત, 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયાં
આગ્રાઃ ઉત્તરપ્રદેશના આગ્રામાં શુક્રવારે મોડી રાત્રે નગલા બૂઢી વિસ્તારમાં પૂરઝડપે પસાર થતી કાર અચાનક કાબૂ ગુમાવી ઘરની બહાર બેઠેલા લોકોને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં 5 લોકોનાં મોત થયા છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એક કાળી કાર ખૂબ તેજ ગતિએ આવી અને ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતાં રસ્તા કિનારે બેઠેલા લોકોને કચડ્યાં હતા. તેમજ કાર દીવાલ સાથે જોરદાર અથડાઈ હતી. ટક્કર એટલી ભીષણ હતી કે, ઘટનાસ્થળે જ ઘણા લોકોના મોત થયા હતા અને આસપાસ ચીસો અને અફરાતફરી મચી ગઈ હતી.
મૃતક બબલીના ભાઈ પિન્ટુએ જણાવ્યું, કે “કાર અચાનક આવી અને થોડી જ મિનિટોમાં જ બધું ખતમ થઈ ગયું. અમે સમજી પણ ન શક્યાં કે શું થયું.” ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આગ્રા પોલીસ કમિશનરેટના એસીપી શેષમણિ ઉપાધ્યાયે જણાવ્યું કે, “અકસ્માતના ભોગ બનેલા પાંચ લોકોને એસ.એન. મેડિકલ કોલેજ લાવવામાં આવ્યા હતા, પરંતુ દુર્ભાગ્યે તેઓને બચાવી શકાયા નહોતા.” પોલીસે આરોપી કાર ચાલકને ઝડપીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ દૂર્ઘટનામાં સતીશ (ઉ.વ. 23), મહેશ (ઉ.વ. 20), હરીશ (ઉ.વ. 33) અને ભાનુપ્રતાપ નામની વ્યક્તિનું મોત થયું છે. જ્યારે એક વ્યક્તિની ઓળખ મેળવવા પોલીસે કવાયત શરૂ કરી છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે અધિકારીઓને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવાની અને પીડિત પરિવારોને તાત્કાલિક મદદ પહોંચાડવાની સૂચના આપી છે. પોલીસે હાલ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે ઘટનાસ્થળે ભારે બંદોબસ્ત ગોઠવ્યો છે.