અમદાવાદમાં દિવાળીના તહેવારો દરમિયાન અકસ્માતના 5 બનાવો, 6નાં મોત
- SP રિંગ રોડ પર પીકઅપ વાન સાથે કાર અથડાતા એકનું મોત,
- ગોતા બ્રિજ પાસે કારે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત,
- સરખેજમાં પાણીના ટેન્કરની અડફેટે બાળકનું મોત,
- સ્કુટરએ બાઈકને ટક્કર મારતા બાઈક સવાર પિતા-પૂત્રનું મોત
અમદાવાદઃ દિવાળીના તહેવારો પૂર્ણ થતાં આજે લાભ પાંચમથી વેપાર-ધંધા રાબેતા મુજબ ધંધમવા લાગ્યા છે. દિવાળીના પર્વ દરમિયાન શહેરમાં જુદાજુદા અકસ્માતોના 5 બનાવો બન્યા હતા. જેમાં 6ના મોત થયા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ એસપી રિંગ રોડ પર સર્જાયો હતો. જેમાં પીકઅપ વાન અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત નિપજ્યું હતું જ્યારે ચાર જણાને ઈજાઓ થઈ હતી. બીજો અકસ્માતનો બનાવ ગોતા બ્રિજ પાસે બન્યો હતો જેમાં કારે બાઈકને ટક્કર મારતા બાઈકચાલકનું મોત નિપજ્યુ હતુ. ત્રીજો અકસ્માતનો બનાવ સરખેજમાં બન્યો હતો. જેમાં ટ્રેકટરની અડફેટે બે વર્ષની બાળકીનું મોત નિપજ્યું હતું. જ્યારે ચોથા અકસ્માતના બનાવમાં ઓગણજ વિસ્તારમાં સ્કુટરે બાઈકને ટક્કર મારતા પિતા-પૂત્રના મોત નિપજ્યા હતા.
દિવાળીના તહેવારો દરમિયાન માર્ગ અકસ્માતના પાંચ બનાવમાં બાઇકસવાર પિતા-પુત્ર સહિત છનાં મોત નીપજ્યાં હતાં. પ્રથમ અકસ્માતના બનાવમાં દહેગામમાં રહેતા હરેશકુમાર શાહ (ઉં.વ.54) 3જી નવેમ્બરે પત્ની કવિતાબહેન (ઉં.વ52), દીકરા અભિ (ઉં. વ. 25), દીકરી હની (ઉં.વ. 27) અને જમાઈ હર્ષ શાહ (ઉં.વ. 28) સાથે સિંધુભવન રોડ પર રોશની જોવા માટે ગયા હતા. તેઓ રાતે 1 વાગ્યે એસપી રિંગ રોડ ભાડજ ઓવરબ્રિજ પાસેથી કારમાં પસાર થઈ રહ્યા હતા. અભિ કાર ચલાવી રહ્યો હતો ત્યારે એક પિકઅપ વાન સાથે તેમની કારને અકસ્માત થયો હતો, જેમાં પરિવારના પાંચેય સભ્યો ગંભીર ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જે પૈકી હર્ષકુમાર શાહને માથા તેમ જ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેમનું મૃત્યુ થયુ હતું. જ્યારે પરિવારના ચારેય સભ્યો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બીજા અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, શહેરના અખબારનગરના આકાશદીપ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રફુલકુમાર પરમાર (ઉં.વ.65) ઘરેથી સીલાઈ કામ કરે છે. બેસતા વર્ષના દિવસે પ્રફુલકુમાર પત્ની ઉષાબહેન (ઉં.વ.59) સાથે ઘુમામાં આવેલા પુરષોત્તમ લાલજી મહારાજના આશ્રમમાં ગયા હતા અને ત્યાંથી પાછા આવતી વખતે ગોતા બ્રિજ ચાર રસ્તા ક્રોસ કરી રહ્યા હતા ત્યારે ત્યાંથી પૂર ઝડપે પસાર થઈ રહેલી કારના ચાલકે પ્રફુલકુમારના બાઇકને ટક્કર મારતા બંને રોડ પર પટકાયા હતા, જેમાં પ્રફુલકુમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતુ.
ત્રીજા અકસ્માતના બનાની વિગતો એવી છે કે, શહેરના સરખેજમાં ફતેવાડી યામીન ડુપ્લેક્સમાં તોસીમ આસમોહંમદ શેખ (ઉં.વ.21) પત્ની મુસ્કાન (ઉં.વ.21) અને દીકરી ઈનાયત (1 વર્ષ 9 માસ) સાથે રહેતા હતાં. 4 નવેમ્બરે સવારે 9.30 વાગ્યે ઈનાયત રમકડાની ગાડી લઈને ઘરની બહાર રમી રહી હતી ત્યારે બહાર બૂમાબૂમ થથા તોસીમ અને મુસ્કાન બહાર ગયાં હતાં અને જોયું તો તેમની પડોશમાં રહેતા બહેનના હાથમાં ઈનાયત લોહીલુહાણ અને બેભાન હાલતમાં હતી. આ વિશે પૂછતા જાણવા મળ્યું હતું કે ત્યાંથી પૂરઝડપે પસાર થઈ રહેલા પાણીના ટેન્કરના ચાલકે ઈનાયતને અડફેટે લીધી હતી, જેમાં તેના જમાણ પગ પરથી ટેન્કરનું વ્હીલ ફરી વળ્યું હતું. આથી તેનો પગ પણ લટકી રહ્યો હતો. તોસીમ ઈનાયતને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સાંજના 7.30 વાગ્યે ઈનાયતનું મૃત્યુ થયું હતું.
ચોથા અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, શહેરના સરદારનગરના પ્રેમપ્રકાશ આશ્રમ પાસેની એસપી એલ સોસાયટીમાં રમેશ ગંગવાણી પત્ની સીમાબહેન, દીકરા જયેશ (ઉં.23) અને દીકરી નેન્સી (ઉં.18) સાથે રહેતા હતા. 1 નવેમ્બરે પરિવારના ચારેય સભ્યો 2 ટુવ્હીલર લઈને નિકોલમાં જમવા જઈ રહ્યા હતા. લગભગ રાતે 10.45 વાગ્યે તેઓ નોબલનગરથી નાના ચિલોડા તરફ જતા રોડ પર આવેલી સન વિલા - 2 સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી કારચાલકે જયેશના બાઈકને ટક્કર મારતા જયેશ અને નેન્સી નીચે પટકાયાં હતાં. અકસ્માત કરનારા કારચાલક અશોક ચૌધરી બંનેને પોતાની કારમાં હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં નેન્સીનું મૃત્યુ થયું હતું. આ અંગે જયેશે કારચાલક વિરુદ્ધ જી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પાંચમા અકસ્માતની વિગતો એવી છે કે, શહેરના ઓગણજ - લપકામણ રોડ પર આવેલા નવકાર હાઇટ્સમાં રહેતા લગધીરભાઈ બાબુભાઈ દેસાઈ (ઉં.50) 2 નવેમ્બરે રાતે 8.45 વાગ્યે દીકરા આર્યન (ઉં.12)ને બાઈક પર લઈને ઘર નજીકની કર્ણાવતી આંખની હોસ્પિટલ એએમટીએસ બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાંથી ત્રણ સવારીમાં યુવાનો પૂરઝડપે અને ગફલતભરી રીતે એક્ટિવા લઈને નીકળ્યા હતા. તેમણે લગધીરભાઈના બાઈક સાથે અકસ્માત કરતા લગધીરભાઈ તેમ જ આર્યનને માથા તેમ જ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેમાં લગધીરભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે આર્યનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતુ આ અંગે લગધીરભાઈના ભાઈ ભરતભાઈ દેસાઈ એ એક્ટિવાસવાર ત્રણ અજાણ્યા યુવાનો વિરુદ્ધ એ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.