ગુજરાતમાં 5.47 કરોડ લોકો ઈન્ટરનેટનો ઉપયાગ કરે છે, દેશમાં 7મો ક્રમઃ TRAI
- ગુજરાતમાં 1 વર્ષમાં 70 લાખ શહેરી ઈન્ટરનેટ સબસ્ક્રાઈબર ઘટ્યા
- રાજ્યમાં દર 100 વ્યક્તિએ 75 લોકો ઈન્ટરનેટના યુઝર
- ગામડાંમાં વધતા જતાં ઈન્ટરનેટ યુઝર્સ
અમદાવાદઃ ગુજરાતમાં મોબાઈલફોન અને નેટનો વપરાશ રોજબરોજ વધતો જાય છે. દરેક પરિવારમાં વ્યક્તિદીઠ મોબાઈલ ફોન જોવા મળી રહ્યો છે. મોબાઈલ ફોનમાં નેટને લીધે લોકોમાં સોશ્યલ મીડિયાનું વ્યસન પણ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં સપ્ટેમ્બર 2023માં 5.37 કરોડ સબસ્ક્રાઈબર હતા જે સપ્ટેમ્બર 2024માં વધીને 5.47 કરોડ થયા છે. ગુજરાતમાં દર 100માંથી 75 વ્યક્તિ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. ગ્રામ્ય વિસ્તારોમાં તેનું પ્રમાણ 51 અને શહેરોમાં 99થી વધુ છે. જોકે હવે શહેરો કરતા ગામડાંઓમાં નેટ યુઝરની સંખ્યા રોજબરોજ વધતા જાય છે.
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાય)ના રિપોર્ટ મુજબ ગુજરાતમાં દર 100માંથી 75 વ્યક્તિ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. ગ્રામ્ય વિસ્તારોમાં તેનું પ્રમાણ 51 અને શહેરોમાં 99થી વધુ છે. જ્યારે દેશમાં દર 100માંથી 69 લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. ટ્રાઈએ સપ્ટેમ્બર 2024 સુધી રજૂ કરેલા આંકડા મુજબ ઈન્ટરનેટ ટેલી-ડેન્સિટી સૌથી વધુ કેરળમાં 98 ટકાથી વધુ છે. મોટાં રાજ્યોની યાદીમાં ગુજરાત સાતમા ક્રમે છે. વિશેષમાં દેશમાં એક વર્ષમાં ઈન્ટરનેટ સબસ્ક્રાઈબરની સંખ્યા 91.82 કરોડથી વધીને 97.15 કરોડ થઈ એટલે કે 5.80% વધારો થયો છે. જ્યારે ગુજરાતમાં સામાન્ય 2% વધારો નોંધાયો છે. સપ્ટેમ્બર 2023માં રાજ્યમાં 5.37 કરોડ સબસ્ક્રાઈબર હતા જે સપ્ટેમ્બર 2024માં વધીને 5.47 કરોડ થયા છે. ગુજરાતના ગામડાંઓમાં 11 લાખ જેટલા સબસ્ક્રાઈબરનો (6%) વધારો નોંધાયો છે જેની સામે શહેરોમાં 1.70 લાખ સબસ્ક્રાઈબરનો ઘટાડો થયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં ઈન્ટરનેટ સબસ્ક્રાઈબર 97 કરોડથી વધુ છે. દેશમાં સપ્ટેમ્બર 2024ની સ્થિતિએ કુલ ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા 97.15 કરોડની છે. જેમાં 40.53 કરોડ ગ્રામ્ય અને 56.61 ટકા શહેરી સબસ્ક્રાઈબર છે. ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 13.16 કરોડ સબસ્ક્રાઈબર છે. બીજા ક્રમે 11.06 કરોડ સાથે મહારાષ્ટ્ર છે. 6.40 કરોડ સાથે પશ્ચિમ બંગાળ ત્રીજા ક્રમે છે. આ યાદીમાં 5.47 કરોડ સાથે ગુજરાત સાતમા ક્રમે છે. ચોથા ક્રમે તમિલનાડુ 6.32 કરોડ, પાંચમા ક્રમે કર્ણાટક 5.98 કરોડ અને છઠ્ઠા ક્રમે બિહાર 5.47 કરોડ સબસ્ક્રાઈબર ધરાવે છે.