અમદાવાદમાં 47મી ગુજરાત સ્ટેટ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ સ્પર્ધાનું આયોજન
અમદાવાદઃ 47મી ગુજરાત સ્ટેટ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ સ્પર્ધાનું આયોજન અમદાવાદમાં નિકોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતભરના અને દેશના વિવિધ રાજ્યોમાંથી 400થી વધુ દિવ્યાંગ રમતવીરોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ રમતવીરો અગાઉ નેશનલ, ઇન્ટરનેશનલ તેમજ એશિયા પેરા એથ્લેટિક્સ ગેમ્સ જેવી રમતોમાં શ્રેષ્ઠ યોગદાન કરી ચૂક્યા છે. જેઓનું આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું. સાથેજ 45થી વધુ દિવ્યાંગ રમતવીરો નેશનલ ગેમ્સ માટે સિલેક્ટ થયા છે અને ગુજરાત સ્ટેટ પેરા એટલેટીક્સ એસોસિએશનમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. 47મી ગુજરાત સ્ટેટ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોળા ફેંક, ભાલા ફેંક, ચક્ર ફેંક, 100 અને 200 મીટર રનિંગ, લોંગ જમ્પ, હાઈ જમ્પ તેમજ ક્લબ થ્રો જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત પેરા એથ્લેટિક્સ એસોસિએશન એ એથ્લેટિક્સને પ્રોત્સાહન આપવા અને વિકાસ કરવા માટે સમર્પિત અગ્રણી સંસ્થા છે. પ્રતિભાને પોષવા અને ખેલદિલીની ભાવનાને ઉત્તેજન આપવાના મિશન સાથે સ્થાપિત, GSAA તમામ ઉંમર અને ક્ષમતાઓના એથ્લેટ્સ માટે શ્રેષ્ઠ સુવિધાઓ, તાલીમ કાર્યક્રમો અને સ્પર્ધાત્મક તકો પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. આ એસોસિએશન ઉભરતા એથ્લેટ્સને ઓળખવામાં અને તેમને સમર્થન આપવા માટે મુખ્ય ભૂમિકા ભજવે છે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સંસાધનો મેળવવાનું અને સુનિશ્ચિત કરવાનું કાર્ય કરતી સંસ્થા છે.
આ કાર્યક્રમમાં ગુજરાત સ્ટેટ પેરા એથ્લેટિક્સ એસોસિએશનના પ્રમુખ કાંતિભાઈ પરમાર, સેક્રેટરી ચંદુભાઈ ભટ્ટી, પવન સિંધી કોમ્યૂનિટી સપોર્ટર, કો-ઓર્ડીનેટર ગૌરવ પરીખ, ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓફિસર સમીરભાઈ પંચાલ તેમજ દિવ્યાંગ રમતવીરો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.